- તળાજા, અલંગ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો
- ઘોઘા, સિહોર, શણોસરા, સોનગઢ, ભાલ પથંકમાં વરસાદ
- લાંબા અંતરાલ બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ફરી દસ્તક
ભાવનગર : જિલ્લામાં પંદરથી વીસ દિવસનાં લાંબા અંતરાલ બાદ મેઘરાજાએ ફરી દસ્તક દિધી છે. આજે ગુરુવારે વહેલી સવારથી જ અસહ્ય બફારો અને વરસાદ વરસે એવાં પ્રબળ સંજોગોનું નિર્માણ થતાં લોકોને આશા બંધાઈ હતી, ત્યારે તળાજા તાલુકામાં આવેલા અનેક ગામોમાં ધોધમાર વરસાદ પડયો હતો.
આ પણ વાંચો : ખેડા જિલ્લામાં Monsoon Seasonનું કડાકા સાથે મેઘરાજાનું આગમન
મેઘરાજાના આગમનથી ખેડૂતોને હૈયે હાશકારો
તળાજાના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. તો બીજી તરફ મહુવા તાલુકાના દરિયા કિનારે આવેલા ગામોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાંઓ વરસી રહ્યાં હોવાના વાવડ મળી રહ્યાં છે. સાથે જ જિલ્લાના ઘોઘા, સિહોર, શણોસરા, સોનગઢ , ભાલ પંથકમાં વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Monsoon Updateઃ સુરતમાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે
જિલ્લામાં વરસાદનું આગમન થતાં શહેરીજનોને પણ વરસાદની આશાઓ બંધાઈ છે અને લોકો ચાતક નઝરે મેઘની રાહ જોઈ રહ્યાં છે. બપોરના સુમારે શહેરના પ્રવેશદ્વારના કેટલાક વિસ્તારોમાં હળવું ઝાપટું વરસ્યું હોવાનું જાણવા મળ્યું છે. લોકોમાં થતી ચર્ચાઓ મુજબ જો પવનનું જોર ઘટશે તો ચોક્કસ વરસાદ વરસે તેવી શક્યતા વધારે છે, પરંતુ પવન ફૂકાશે તો વાદળો વિખેરાઈ જતાં વાર નહીં લાગે. ખેર આ બાબત કુદરત પર નિર્ભર છે, પરંતુ હવે લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.