- ભાવનગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જોરદાર વરસાદ
- જિલ્લાના દસ તાલુકામાંથી પાંચ તાલુકામાં એક ઇંચથી લઈને બે ઇંચ સુધી વરસાદ નોંધાયો
- સવારે 7 કલાકથી મેઘરાજાની સવારીથી શહેરમાં દરેક વિસ્તારમાં પાણી પાણી
ભાવનગર: શહેરમાં ભાદરવાના ભરપુર સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. શહેર જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાની વીજળીના કડાકાઓ સાથે એન્ટ્રી થઈ હતી. જો કે, ધમાકેદાર વરસાદ દસ તાલુકામાંથી પાંચ તાલુકામાં નોંધાયો હતો. બીજા દિવસે પણ સવારથી બપોર સુધી અનરાધાર વરસાદ સતત ચાલુ રહ્યો હતો.
ભાવનગરમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શહેર જિલ્લામાં
ભાવનગર જિલ્લામાં વરસાદ 69.04 ટકા નોંધાયો છે, ત્યારે સિઝનના અંતમાં વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાવનગર જિલ્લાના દસ તાલુકા પૈકી 5 તાલુકામાં 1 ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતીને ખૂબ મોટો ફાયદો થયો છે. કપાસનું 2 લાખ હેકટર કરતા વધુ વાવેતર છે, જ્યારે 1 લાખ કરતા વધુ મગફળીનું વાવેતર છે. જેને પગલે ખેડૂતોના પાકની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો થયો હતો, તે ક્યાંક કુદરતે હલ કરી દીધો છે.
શહેર જિલ્લામાં શેત્રુંજી ડેમ સહિત અન્ય ડેમમાં પાણીની આવક
ભાવનગર શહેર અને જિલ્લામાં જોઈએ તો દસમાંથી પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જોઈએ તો બપોરે બે કલાક સુધીમાં સારો વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરમાં 48 mm, ઘોઘામાં 49 mm, સિહોરમાં 8 mm, ઉમરાળામાં 6 mm, વલભીપુરમાં 3 mm જ્યારે અન્ય પાંચ તાલુકામાં વરસાદ 0 mm નોંધાયો છે. જિલ્લાનો સૌથી મોટો અને સૌરાષ્ટ્રનો બીજા નંબરનો શેત્રુંજી ડેમ એક વખત ઓવરફલો થયા બાદ બીજી વખત થવાની શક્યતા છે. નવા નીર સાથે હાલ સપાટી 36 ફૂટ છે, જ્યારે 34 એ ઓવરફ્લો થાય છે.
13 સપ્ટેમ્બર સુધીની વિવિધ ડેમની સપાટી
ડેમ | ઓવરફ્લો મીટરમાં | હાલની સપાટી |
શેત્રુંજી | 55.53 | 55.53 |
રજાવળ | 56.75 | 54.09 |
ખારો | 54.12 | 54.12 |
માલણ | 104.25 | 103.54 |
રંઘોળા | 62.05 | 61.23 |
લાખણકા | 44.22 | 40.01 |
હમીરપરા | 87.08 | 83.02 |
હણોલ | 90.01 | 89.65 |
બગડ | 60.41 | 58.66 |
રોજકી | 99.01 | 97.77 |
જસપરા | 40.25 | 30.95 |
પિંગળી | 51.03 | 50.08 |
3 કલાક બાદ વરસાદ થંભી ગયો હતો
ભાવનગર શહેર-જિલ્લામાં પાંચ તાલુકામાં સારા એવા વરસાદથી જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે. ત્યારે ખેડૂતોની ચિંતા ક્યાંક દૂર થતી જાય છે. કારણ કે સપ્ટેમ્બર માસના અંત બાદ મગફળી અને કપાસનો પહેલો ફાલ લેવામાં આવતો હોય છે. જો કે, વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળવા પામી છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા પણ બાદમાં ઓસરાઈ ગયા હતા. જો કે, 3 કલાક બાદ વરસાદ થંભી ગયો હતો.