- ગુજરાતનું રાજ્યપક્ષી સુરખાબ ભાવનગરનું મહેમાન બન્યું
- ડ આકારના સુરખાબ ભાવનગર માઢિયા રોડ મળે છે જોવા
- કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિતના જિલ્લામાં મહેમાન
- એરપોર્ટ રોડ અને નવા બંદર રોડ પર વરસાદની ખેંચમાં આગમન
- નાના અને મોટા સુરખાબ 2 જાતિમાં જોવા મળે છે
ભાવનગરઃ રાજ્યપક્ષી સુરખાબે ફરી એક વાર શહેરની શોભા વધારી છે. શહેરના આંગણે સુરખાબ ગુજરાતનું રાજ્યપક્ષી મહેમાન બન્યા છે, જેને સ્થાનિક ભાષામાં બળા કે હંસના નામે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટા ભાગના જળપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. રાજ્યમાં તેની 2 જાતિ જોવા મળે છે. એક નાના સુરખાબ અને બીજા મોટા સુરખાબ કે હંસ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો- ચરોતરના કનેવાલ અને પરિએજ તળાવોમાં એક વર્ષમાં સારસની સંખ્યામાં વધારો, સારસ પક્ષી માટે ચરોતર શ્રેષ્ઠ
ખાર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરખાબ જોવા મળ્યા
ગુજરાતમાં વરસાદની ખેંચાયેલી સ્થિતિમાં ભાવનગરના એરપોર્ટ રોડ કે બંદર વિસ્તાર તરીકે ઓળખાતા ખાર વિસ્તારમાં અત્યારે પાણીના ખાડા-ખાબોચિયા ભરાયેલાં છે, જે સુરખાબના રહેણાંક અને માળો બનાવવાં માટે ખૂબ અનુકૂળ હોવાથી ખાર વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં સુરખાબ જોવાં મળી રહ્યાં છે.
આ પણ વાંચો- ખંભાત તાલુકાનો ચોરખાડી ચેકડેમ ફ્લેમિંગો પક્ષી માટે આશીર્વાદરૂપ
સુરખાબની વિશેષતા
- સુરખાબની તેની ગરદન 'ડ' આકારની તથા પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. તેઓ સમૂહમાં કાદવથી માળાઓ બનાવે છે. મોટા સુરખાબની ઉંચાઈ 135 સેમી સુધીની હોય છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનું શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે તેવું હોય છે.
- સુરખાબનું આખું શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ડાઘ, ઉડે ત્યારે પાંખો ગુલાબી અને કાળા રંગની આંખો તરત નજરે પડે છે. પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. કદમાં નર-માદા સરખાં જોવાં મળે છે. નાનો હંસ લગભગ 90 થી 105 સેમી. ઉંચાઈ ધરાવે છે. તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.
- મોટા હંસના પ્રમાણમાં નાના હંજની ડોક ટૂંકી અને થોડી જાડી હોય છે. તેના પગ પણ મોટા હંજ કરતા ટૂંકા હોય છે. ચાંચ ઘેરી, ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા દેખાવમાં સરખાં જણાય છે. સુરખાબ તેમનાં રહેઠાણો મોટા તળાવો, દરિયાકિનારાના કાદવ કે પાણીવાળાં વિસ્તારોમાં જોવાં મળે છે.
ખાર વિસ્તારની આબોહવા અનુકૂળ હોવાથી સુરખાબનો જમાવડો
ભાવનગરનો ખાર વિસ્તાર આવી જ આબોહવા અને ભૂસ્તરીય રચના ધરાવતો હોવાથી અહીં આ બંન્ને પ્રકારના એટલે કે નાના સુરખાબ અને મોટા સુરખાબ હાલમાં જોવાં મળી રહ્યાં છે. આ પ્રકારના અલભ્ય પક્ષીઓ ભાવનગરના આંગણે જોઈને ભાવનગરના પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી છવાઇ છે.