- ભાવનગર એરપોર્ટથી ચાર હવાઈ સુવિધામાં વધારો
- ભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પુના અને દિલ્હી હવાઇ સેવા આગામી મે મહિનાથી શરૂ થવા જઇ રહી છે
- ઘોઘાથી મુંબઈ રોપેક્સ ફેરી સર્વિસ ચાલુ કરવા ટેન્ડર તેમજ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાઇ રહી છે
ભાવનગરઃ જિલ્લાને જોડતા હવાઈ પ્રવાસનને વધારવા માટે તંત્ર તેમજ રાજકીય આગેવાનો દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ ભાવનગરથી મુંબઇ વચ્ચે દૈનિક એક ફ્લાઇટ અને ભાવનગરથી સુરત વચ્ચે અઠવાડીયામાં 4 દિવસ ફ્લાઇટ ચાલુ છે. જે બાદ આગામી મે મહિનામાં ભાવનગરથી મુંબઇ, હૈદરાબાદ, પુના અને દિલ્હી માટેની હવાઇ સેવા ચાલુ થવા જઈ રહી છે. આ ઉપરાંત ઘોઘા ખાતે શરૂ થયેલી રોપેક્ષ ફેરી સર્વિસને પણ સારો એવો જન પ્રતિસાદ મળતાં ઘોઘાથી મુંબઈ દરિયાઈ પ્રવાસ પણ ચાલુ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરાશે
મે મહિનામાં ભાવનગર એરપોર્ટથી ચાર નવી ફલાઈટો ચાલુ થવા જઈ રહી છે
સાંસદ ભારતી શિયાળે ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આગામી મે મહિનામાં ભાવનગર એરપોર્ટથી ચાર નવી ફલાઈટો ચાલુ થવા જઈ રહી છે. જેમાં મુંબઇ, હૈદરાબાદ, પુના અને દિલ્હીનો સમાવેશ થઇ રહ્યો છે. જે માટે ભાવનગર એરપોર્ટ પર તમામ વ્યવસ્થાઓ માટેની પ્રાથમિક તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર-પુનાની ફ્લાઇટને ઉડાન તળે રાખવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે અને તેનો શરૂઆતનો ટિકિટ દર 2,500 રહેશે.
આ પણ વાંચોઃ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડિશ-ઇન્ફેક્શન મશીનની સુવિધા ઉભી કરાઇ
ઘોઘાથી મુંબઈ વચ્ચે સડકમાર્ગનું અંતર 620 કિ.મી. છે
આ ઉપરાંત સાંસદ ભારતી શિયાળે ઘોઘા-હજીરા રોપેક્ષ ફેરી સર્વિસ જે હાલ ચાલુ છે, તેને વ્યાપક જન પ્રતિસાદ મળતા ઘોઘા-હજીરા ઉપરાંત મુંબઈ સુધીની દરિયાઈ રોપેક્ષ પ્રવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈ ડ્રેન સિટી પોઇન્ટ સાથે જરૂરી ટેન્ડર પ્રક્રિયાઓ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ઘોઘાથી મુંબઈ વચ્ચે સડકમાર્ગનું અંતર 620 કિ.મી. છે અને આ અંતર કાપવા માટે પ્રવાસીઓને 12થી 13 કલાકનો સમય લાગે છે, જ્યારે જળમાર્ગે આ બન્ને પોર્ટ વચ્ચેનું અંતર 243 નોટિકલ માઇલ થશે. તેમજ અત્યાર સુધી દક્ષિણ ભારત સાથે વ્યવસાયના વ્યવહારો માટે માલપરિવહન માટે સડક માર્ગ ઉપર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોએ આધાર રાખવો પડતો હતો. તે સમય અને ઇંધણમાં પણ બચત કરશે.