- અજગરની પજવણીનો વીડિયો થયો હતો વાયરલ
- ભાવનગર વનવિભાગે આ મામલે બે યુવાનોની ધરપકડ કરી
- 5 માસ પૂર્વે ભાવનગરના નાના ખોખરા ગામમાથી અજગર પકડ્યો હોવાની યુવાનોએ કરી કબૂલાત
ભાવનગરઃ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારના નામે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય સરીસૃપ અજગરની પજવણી કરતા યુવાનોનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક યુવાનો રાષ્ટ્રીય સરીસૃપ અજગર સાથે રમત કરી વિકૃત આનંદ માણી રહ્યા હતા અને અલગ-અલગ અંદાજમાં તેની સાથે વીડિયો શૂટ કરી પજવણી કરી રહ્યા હતા.
વનવિભાગે હાલ બંને યુવાનોની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી
જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી. ત્યારે આ વાયરલ વિડિયોમાં દેખાઈ રહેલા યુવાનો ભાવનગરના હોવાની જાણકારી મળતાં ભાવનગર વનવિભાગે શહેરના સુભાષનગર વિસ્તારના કિશોર ધાપા અને સંજય વાઘેલા નામના 2 યુવાનોની અટકાયત કરી હતી. તેમજ તેની કડક પૂછપરછ કરતા બંને યુવાનોએ 5 મહિના પહેલા જિલ્લાના નાના ખોખરા ગામની વાડીમાથી અજગર પકડ્યો હોવાનું અને તે સમયે જ તેનો વિડિયો ઉતર્યો હોવા અંગેની કબૂલાત કરી હતી. વનવિભાગે હાલ બંને યુવાનોની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ, બાઈક પાછળ મારણ બાંધી કરાઈ પજવણી
અજગરને પકડવો કે રાખવો ગુનો બને છે
અજગર ભારતનું રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી છે. જેને પકડવો કે રાખવો ગુનો બને છે, ત્યારે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય સરીસૃપ અજગરની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં 5 માસ પૂર્વે ભાવનગરના સુભાષનગર વિસ્તારના બે યુવાનો ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામે વાડી વિસ્તારમાં અજગર પકડવા ગયા હતા અને અજગર સાથે વીડિયો ઉતાર્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વનવિભાગે બંને યુવાનોની ધોરણસર અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે યુવાનોની પ્રથમ ભૂલ ગણી જામીન પર મુક્ત કર્યા હતા. જે અંગે ઇન્ચાર્જ એસીએફ એમ.એમ ભરવાડ એ વન્ય જીવોની પજવણીના વાયરલ થયેલા વીડિયો અંગે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ વન્યજીવની પજવણી કરતા હોય તો વનવિભાગને જાણ કરવા લોકોને અપીલ કરી હતી.
આ પણ વાંચો- લાયન શો કરતા તત્વોએ સિંહ પાછળ કાર દોડાવી, વીડિયો વાઇરલ