ભાવનગર: કરદેજ ગામમાં રાજવી પરિવારે આપેલી જમીન પર કાર્યરત સરકારી પ્રાથમિક કન્યા શાળા હવે રાજ્યભરમાં એક નમૂનારૂપ ડિજિટલ શાળા બનવા જઈ રહીં છે. આ શાળાનું ડિજિટલ આધુનિકરણ કરવામાં શાળાના શિક્ષકોનો મહત્વનો ફાળો છે. રાજ્યની આ પ્રથમ સરકારી શાળા હશે કે, જેમાં વેબ પોર્ટલ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓને કયુ-આર કોર્ડ વાળા આઇકાર્ડ આપવામાં આવ્યા છે. જેથી શાળામાં પ્રવેશતાની સાથે જ તેનું સ્કેનીંગ થાય છે અને વિદ્યાર્થિની શાળાની અંદર પહોંચી ગયાની જાણ મોબાઈલ એપ દ્વારા તેમના વાલીને થઇ જાય છે. આ ઉપરાંત જયારે પણ વિદ્યાર્થિની શાળાની બહાર જાય, ત્યારે પણ તેની જાણકારી તેના વાલીને મળી જાય છે.
આ શાળાના તમામ રૂમ CCTVથી સજ્જ છે અને તેને પણ પોર્ટલ સાથે જોડી દેવામાં આવ્યા છે. જેથી વાલીઓ પોતાના બાળકોની પ્રવૃતિ નિહાળી શકે છે. આ ઉપરાંત જો વિદ્યાર્થિની કોઈ કારણોસર શાળામાં ગેરહાજર રહેવા માગે, તો તેમના ઘરેથી મોબાઈલ એપ દ્વારા રજા રિપોર્ટ મૂકી શકે છે. આ ઉપરાંત શાળામાં ચાલી રહેલા અભ્યાસ અંગે પણ માહિતી મેળવી શકે છે. આ તમામ ટેકનોલોજીની કામગીરી પણ શાળાની અન્ય વિદ્યાર્થિનીઓ દ્વારા જ કરવામાં આવે છે.
વાલીઓ પણ શાળાની કાર્યપદ્ધતિ અને ટેકનોલોજી સભર અભ્યાસથી ખુશ જણાઈ રહ્યા છે. વાલીઓ પોતે પણ પોતાના મોબાઈલમાં શાળાની વિવિધ એપ્લીકેશન સાથે જોડાઈ શાળાની શૈક્ષણિક પ્રવૃતિઓ ઓનલાઈન જોઈ શકે છે. આ સાથે વિદ્યાર્થિનીઓ પોતાના વાલીના વોટ્સએપમાં શાળાના ગ્રુપમાં આવેલી લીંક ઓપન કરી ઘરે બેઠા પરીક્ષા પણ આપી રહીં છે અને તેમાં પ્રાપ્ત કરેલા ગુણ પણ ઓનલાઈન મેળવી રહીં છે. આમ આ ડિજિટલ શાળા વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરી રહીં છે.
આ શાળાને ડિજિટલ બનાવવામાં શાળાના શિક્ષકોનો મહત્વનો ફાળો છે. શિક્ષકો આ અંગે ગર્વ અનુભવી કરી કહીં રહ્યાં છે કે, તેમની શાળાની તમામ વિદ્યાર્થિનીઓ વેબ પોર્ટલ સાથે જોડાયેલી છે. યુઝર નેમ, પાસવર્ડ દ્વારા આ વેબ પોર્ટલ સાથે જોડાઈ વિદ્યાર્થિનીઓના જન્મ દિવસની શુભકામના પાઠવવા ઉપરાંત વિવિધ ટેસ્ટના માર્ક્સ, કોમ્પ્યુટરના પાર્ટ્સની ઓળખ અને સામાન્ય રીપેરીંગ જેવી બાબતોનું જ્ઞાન પણ આ શાળાની વિદ્યાર્થિનીઓ ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરતી કરદેજની પ્રાથમિક કન્યા શાળાએ સમગ્ર રાજ્યમાં એક અલગ નામના ઉભી કરી છે. જેનું ગૌરવ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને શાળાના શિક્ષકો લઇ રહ્યા છે.