- ભાવનગરમાં કોરોનાના નવા કેસો વધ્યાં
- 14 માર્ચે 25 નવા કેસ આવ્યાં
- કોરોના વેક્સિનેશનને પગલે જોકે તંત્રને ઓછી ચિંતા
ભાવનગરઃ ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયાં બાદ શહેરમાં એક દિવસમાં 25 નવા કેસ નોંધાતા તંત્ર સતર્ક બની ગયું છે. શહેરમાં દરેક આરોગ્ય કેન્દ્ર પર રસી મૂકવામાં આવી રહી છે અને જિલ્લામાં પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. માસ્કને લઈને ડ્રાઈવ કરવામાં આવી રહી છે, તો સેનિટાઇઝરનો ઉપયોગ કરવા પણ લોકોને અપીલ કરાઈ રહી છે. શહેરમાં 25 અને જિલ્લામાં 4 કેસ સાથે ફરી ઘણા સમયે આંકડો 30 નજીક એટલે 29 પર પહોંચ્યો છે.
ભાવનગરમાં કોરોનાના એકદમ વધેલા કેસ અને વેક્સિન પ્રક્રિયા
ભાવનગરમાં 14 માર્ચે કોરોનાના કેસ શહેરમાં 25 અને જિલ્લામાં 4 મળી 29 પર આંકડો પહોંચી જતાં ફરી લોકોમાં કોરોનાનો ડર હાવી થવા જઈ રહ્યો છે. શહેરમાં 25 કેસ આવતા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. શહેર અને જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસો થઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા
કોરોના વેક્સિન કેટલાને અપાઈ અને કેટલી વ્યવસ્થા
શહેરમાં સર ટી હોસ્પિટલ સહિત 12 આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશન પ્રક્રિયા ચાલુ છે. બીજા તબક્કાનો ડોઝ પણ ઘણાં લોકો લઈ ચૂક્યાં છે. મનપાએ 11,000 લોકોને વેક્સિન આપી દીધી છે અને હજુ પણ વ્યવસ્થા હોવાનું આરોગ્ય અધિકારી આર. કે. સિંહાએ જણાવ્યું છે. જિલ્લામાં આરોગ્ય અધિકારી એન. સી. કેવરિયાએ કહ્યું હતું કે જિલ્લામાં 48 આરોગ્ય કેન્દ્ર પર વેકસીન આપવામાં આવી રહી છે, જેમાં હાલ સિનિયર સિટીઝનોનો ક્રમાંક હોવાથી તેમને અપાય છે. 33,450 ડોઝમાંથી હાલ 4,080 ડોઝ છે એટલે 29,370 જેટલા ડોઝ અપાઈ ચૂક્યાં છે.
આ પણ વાંચોઃ કોરોના વેક્સિનેશનથી ઉત્પન્ન થયેલો બાયો-મેડિકલ વેસ્ટ કેવી રીતે નિકાલ પામે છે? જુઓ વિશેષ અહેવાલ
કોરોના માટે હોસ્પિટલની સજ્જતા
શહેરમાં માસ્કને લઈને ચેકિંગ કરવામાં આવે છે. લોકો માસ્ક પહેરે તે જોવા અને સોશિયલ ડિસ્ટન્સ રખાવવા તંત્રની ટીમો કાર્યરત છે. સર ટી હોસ્પિટલમાં કોરોના માટે 75 બેડની વ્યવસ્થા સાથે વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં છે. ત્યારે કોરોનાના વધતા કેસથી તંત્ર લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે આગ્રહ કરી રહ્યું છે. જો કે ભાવનગરનો રિકવરી રેટ રાજ્યભરમાં શ્રેષ્ઠ રહ્યો છે. હાલ 97 ટકાથી વધારે રિકવરી રેટ છે, છતાં તંત્રના મતે સાવધાની જરૂરી માનવામાં આવી રહી છે.