- આગામી 21 ફેબ્રુઆરીનાં રોજ મહાનગર પાલિકાની ચૂંટણી માટે યોજાશે મતદાન
- ભાવનગરમાં ભાજપને પહોંચી વળવા કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલને મેદાને ઉતાર્યા
- શક્તિસિંહ ગોહિલે પ્રજાને ભાવનગરમાં પંજાબવાળી કરવા માટે આહવાન કર્યું
ભાવનગર: ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસની જંગી જાહેર સભાઓ યોજાઈ હતી. જ્યારે બોરતળાવ વોર્ડની સભામાં તો ગેસ સિલિન્ડર સ્ટેજ પર લોકોને દેખાય તેવી રીતે મુકવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે પંજાબના પરિણામને ટાંકીને ભાજપ પર પ્રહાર કર્યો હતો કે, પ્રજા સમજી ગઈ છે અને ભાજપનો અહંકાર પ્રજા જ તોડશે. આગામી દિવસોમાં કોંગ્રેસ માટે સારા પરિણામ ગુજરાતમાં આવશે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં શક્તિસિંહનો પ્રચાર અને વાર
ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ભાવનગરના સ્થાનિક લાડીલા નેતા શક્તિસિંહ ગોહિલને ઉતાર્યા છે. કાળિયાબીડ સહિતના વોર્ડમાં જંગી જાહેર સભાઓ રાખવામાં આવી હતી. ત્યારે શક્તિસિંહએ બિનહરીફ મુદ્દે ભાજપ હાર ભાળી ગયું હોવાની અને સામ દામ દંડની નીતિ અપનાવીને ચૂંટણી જીતવા માગતું હોવાનું જણાવ્યું હતું. કારણ કે લોકશાહી ઢબે તે જીતી શકે તેમ નથી તે બતાવી રહ્યું છે.