- યુનિવર્સિટીની ત્રણ તબક્કામાં યોજાશે પરીક્ષા
- ચાર દિવસમાં માત્ર 6 કોપીકેસ
- શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ
ભાવનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હાલ કોલેજમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટીએ માસ્ટર પ્લાન બનાવીને ત્રણ તબક્કામાં ઓફલાઇન પરીક્ષા લેવાનો પ્રારંભ કર્યો છે. પ્રથમ તબક્કાના ચોથા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં એક્સ્ટર્નલ વિભાગની પરીક્ષાઓ સહિત અન્ય વિભાગોની પરીક્ષાઓ યોજાઈ હતી. પરીક્ષાના ચાર દિવસમાં માત્ર 6 કોપીકેસ થયા છે. જે સારી બાબત છે.
પ્રથમ તબક્કાની પરીક્ષાનું 28 કેન્દ્રમાં આયોજન
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીએ ત્રણ તબક્કામાં તમામ વિભાગની પરીક્ષાનું આયોજન કર્યું છે. ઓફલાઇન પરીક્ષાના 4 દિવસ વીતી ગયા છે. આ ચાર દિવસથી ચાલી રહેલી પરીક્ષામાં માત્ર 6 કોપીકેસ નોંધાયા છે. ખૂબ જ નિમ્ન નોંધાયેલા કેસને લઈને યુનિવર્સિટીએ ખુશી વ્યક્ત કરી છે, કારણ કે હાલમાં એક્સ્ટર્નલ વિભાગની પરીક્ષા ચાલુ છે તેમા જો કોપીકેસ નહિવત હોય તો ખૂબ જ સારી બાબત માનવામાં આવે છે. આ અંગે કુલપતિ મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પરીક્ષાનું આયોજન પ્લાન મુજબ કરવામાં આવ્યું છે અને તેમાં અમે સફળ થયા છીએ. 5 જુલાઈથી પ્રથમ તબક્કાની પરીક્ષાનું 28 કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં 12 અને જિલ્લામાં 16 કેન્દ્રમાં 15,652 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ પાટણ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ઓફલાઈન પરીક્ષાનો પ્રારંભ
96 ટકાથી લઈને 99 ટકા સુધી હાજરી
યુનિવર્સિટીની પરીક્ષાને લઈને અગાવ કેટલાક વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જોકે, વિરોધ વચ્ચે યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કર્યું છે. જેમાં 96 ટકાથી લઈને 99 ટકા સુધી હાજરી નોંધાતા વિદ્યાર્થીઓનો મત સ્પષ્ટ થઈ ગયો છે અને કુલપતિના ચહેરા પર કોરોના કાળમાં ફોર લેયર પ્રમાણે પરીક્ષાનું આયોજન સફળ થયાનો એહસાસ થયો છે. ત્યારે વિદ્યાર્થીના મત જાણવાની ETV Bharat એ કોશિશ કરી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમે પરીક્ષાને આવકારીએ છીએ. આખું વર્ષ મહેનત કરીને જેને સારામાં સારા ટકા આવી શકે તેવા વિદ્યાર્થીને માસ પ્રમોસનથી નુકશાન થાય તેમ છે, એટલે પરીક્ષાનું આયોજન સારું છે અને કોરોનાનો લઈને બેઠક વ્યવસ્થામાં પણ સારી રીતે કરવામાં આવી છે. પ્રવેશ સાથે માસ્ક ફરજીયાત અને સેનીટાઇઝર વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો- કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી પરીક્ષાનો પ્રારંભ
બાકીના બે તબક્કા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તેવી અપેક્ષા
એક્સ્ટર્નલમાં જિલ્લાના અલગ-અલગ વિદ્યાર્થીઓ આવતા હોય છે. ત્યારે ભૂતકાળમાં સૌથી વધારે કોપીકેસ એક્સ્ટર્નલ પરીક્ષામાં થયા છે. જોકે, આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થતાં યુનિવર્સિટીને આયોજનમાં સફળતાનો એહસાસ થયો છે. ત્યારે બાકીના બે તબક્કા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તેવી અપેક્ષાઓ પણ રાખવામાં આવી રહી છે.