- મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શિક્ષકો દ્વારા વિશાળ બાઇક રેલી
- 200થી વધુ શિક્ષકો બાઈક રેલીમાં જોડાયા
- અધિક કલેકટરે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું
ભાવનગરઃ શિક્ષણ વિભાગ દ્વારા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના 200થી વધુ શિક્ષકો 100થી વધુ બાઇક સાથે જોડાયા હતા.
મતદાન અંગે જાગૃતિ આવે એ હેતુથી બાઇક રેલીનું આયોજન
રેલીને પ્રસ્થાન કરાવતી વેળાએ અધિક કલેકટરે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 469 જેટલા મતદાન મથકો પર આગામી 21 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે લોકો EVMની પ્રણાલીથી વાકેફ થાય, 4 ઉમેદવાર પસંદ કર્યા બાદ રજીસ્ટરનું પીળું બટન દબાવવાનું ન ભૂલે સહિતની બાબતો અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ શહેરના વિવિધ વિસ્તારના નાગરિકો, બહેનો તથા નવા યુવા મતદારોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ લાવી વધુમાં વધુ મતદાન થાય તે અંગેનો આ એક પ્રેરક પ્રયાસ છે. ઉપરાંત મતદાન માટે તમામ શહેરીજનો આગળ આવે અને 100 ટકા મતદાન કરવા અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી
શિક્ષકો દ્વારા આયોજિત આ બાઇક રેલી ભાવનગર શહેરના જશોનાથ મહાદેવ મંદિરેથી શરૂ થઈ કલેક્ટર કચેરી, સંત કવરામ ચોક, માધવ દર્શન, રબ્બર ફેક્ટરી, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ, સુભાષનગર, શિવાજી સર્કલ, રામમંત્ર મંદિર, પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, આર.ટી.ઓ, નિલમબાગ, બહુમાળી ભવન સહિતના વિસ્તારોમાં ફરી જશોનાથ મંદિર ખાતે પરત આવી હતી.