- રાત્રી દરમિયાન પાણીની આવક બાદ 14 સેપ્ટમ્બરે સવારમાં 59 દરવાજા ખોલાયા
- જિલ્લાનો 69 ટકા વરસાદ નોંધાઇ જતા ડેમો ભરાઈ ગયા
- 5590 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં વહેતુ કરાયું તો કેનાલમાં 280 ક્યુસેક
ભાવનગર: શહેર અને જિલ્લામાં સોમવાર બપોર બાદ થોભી ગયેલા વરસાદ પછી જિલ્લાનો સૌથી મોટો ડેમ શેત્રુંજી બીજી વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ બીજી વખત ઓવરફ્લો દસ દિવસના સમયમાં થતા ખેડૂતો ખુશ છે તો જિલ્લામાં સિઝનનો કુલ 69 ટકા વરસાદ નોંધાયો છે.
શેત્રુંજી ડેમ કેમ વરસાદ વગર થયો બીજી વખત ઓવરફ્લો
ભાવનગર જિલ્લાનો પાલીતાણામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી બીજી વખત ઓવરફ્લો થયો છે. 13 સપ્ટેમ્બરની રાત્રે 10 કલાકે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો. રાત્રે 10 કલાકે 10 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. 1180 ક્યુસેક પાણીની આવક ઉપરવાસમાં સારા વરસાદના પગલે થતા ડેમ ઓવરફ્લો થયો હતો. નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું હતું. જ્યારે રાત્રિ દરમિયાન પાણીની વધુ આવક થતા 36 ફૂટે ઓવરફ્લો શેત્રુંજી ડેમના વહેલી સવારે 14 સેપ્ટમ્બરે 59 દરવાજા એક ફૂટ ખોલવાની ફરજ પડી હતી. 5590 ક્યુસેક પાણીની આવક થતા બપોર સુધી 59 દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જ્યારે કેનાલમાં 280 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
જિલ્લામાં અન્ય ડેમોની સ્થિતિ અને જિલ્લાનો કુલ વરસાદ
ભાવનગર જિલ્લામાં વરસાદની ખેંચ હતી, પરંતુ ફરી વરસાદ ધમાકેદાર આવતા ખેડૂતોની ચિંતા દૂર થઈ ગઈ છે. જિલ્લામાં 69 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે અને જિલ્લાના દરેક ડેમો પુરેપુરા ભરાયેલા છે. કેટલાક ડેમ ઓવરફ્લો પણ થઈ ચૂકેલા છે.
મીટરમાં ડેમોની સ્થિતિ નીચે પ્રમાણે છે
ડેમ | ઓવરફ્લો મીટરમાં | હાલની સપાટી |
શેત્રુંજી | 55.53 | 55.53 |
રજાવળ | 56.75 | 54.09 |
ખારો | 54.12 | 54.12 |
માલણ | 104.25 | 103.54 |
રંઘોળા | 62.05 | 61.23 |
લાખણકા | 44.22 | 40.01 |
હમીરપરા | 87.08 | 83.02 |
હણોલ | 90.01 | 89.65 |
બગડ | 60.41 | 58.66 |
રોજકી | 99.01 | 97.77 |
જસપરા | 40.25 | 30.95 |
પિંગળી | 51.03 | 50.08 |
ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની ચિંતા થઇ દૂર
સોમવારે વરસાદ થોભી જવાથી ખેડુતોના પાકને વરાપ નીકળતા રાહત થઈ છે. ખેતીને મોટો ફાયદો થયો છે તો જો કે હવે વરસાદ આવે તો પણ ખેડૂતોને શિયાળુ પાક માટે પાણીની ચિંતા દૂર થઈ છે.