ભાવનગર મનપા દ્વારા હવે વર્ષના અંતમાં મોટા બાકી કરવેરા માટે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ખાસ કરીને ભાવનગરની સરકારી અને ટ્રસ્ટની મિલકતો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં સરકારી મિલકતોનો 46 કરોડ કરતા વધુ વેરો બાકી છે, જ્યારે ટ્રસ્ટ અને મોટા બાકીદારોનો પાંચ કરોડ કરતા વધુ વેરો બાકી છે, ત્યારે આવી મિલકતો સામે મનપા દ્વારા કાર્યવાહી હઠ ધરવામાં આવી છે, હાલ રોજની 60 કરતા વધુ નોટીસો કાઢી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ગઈકાલે મનપા દ્વારા મહાત્મા ગાંધીજીની પાવન સ્મૃતિઓ જેની સાથે જોડાયેલી ભાવનગરના ક્રેસન્ટ સર્કલ સ્થિત ગાંધી સ્મૃતિને મહાપાલિકાના વેરા વિભાગ દ્વારા સીલ મારવામાં આવ્યા છે. કાર્પેટ વેરાનો અમલ થયો ત્યારથી વર્ષ 2013થી ગાંધી સ્મૃતિ પાસે ઘરવેરાની રકમ બાકી છે. આથી આ અંગે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટને વખતો વખત નોટીસ પણ આપવામાં આવતી છે. પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા રકમ ભરવામાં નહીં આવતા 51 લાખના બાકી વેરા મુદ્દે સીલ મારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધી સ્મૃતિએ ગાંધી યુગના દિવસોની યાદ તાજી કરાવે છે. ગાંધી સ્મૃતિની આ ઐતિહાસિક કલાત્મક ઈમારતનો શિલારોપણ વિધિ ઈ.સ. 1948ની સાલમાં 15મી જાન્યુઆરીએ થયો હતો.
ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં જ્યાં ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત ગૃહલક્ષ્મી ગ્રાહક ભંડાર આવેલ છે, તેને પણ મહાપાલિકા દ્વારા બાકી વેરા મુદ્દે નોટીસ પાઠવાઈ છે. જો કે, આ ભંડાર થોડા સમય અગાઉ બંધ થઈ ગયો છે. પરંતુ બાકી વેરા મુદ્દે મહાપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવેલી છે. શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં જ્યાં ગાંધી સ્મૃતિની ઐતિહાસિક ઈમારત આવેલ છે, ત્યાં ઉપરના માળે ગાંધી સ્મૃતિ પુસ્તકાલય છે અને ગાંધી સંગ્રહાલય છે. સંગ્રહાલયમાં ગાંધીજીના જીવન દર્શાવતી તસ્વીરોનું પ્રદર્શન છે. આ બંને વેરા માફી ધરાવે છે.