ભાવનગર: દેશને પ્રથમ રજવાડું સોંપનાર ભાવનગરના મહારાજાઓની દીર્ઘ દ્રષ્ટિનું આંકલન કરી શકાય છે. ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી (Barton library Bhavnagar) 30 ડિસેમ્બરના રોજ 143 વર્ષમાં બેસી ગઈ છે. વિશ્વમાં ના હોય તેવા અલભ્ય પુસ્તકો બાર્ટન લાઇબ્રેરીમાં છે. હવે બાર્ટન આધુનિકરણ તરફ પણ વધી રહી છે. બાર્ટનના જન્મદિવસ નિમિત્તે પુસ્તક યાત્રાનું પણ આયોજન (Book Trip Planning Bhavnagar) કરવામાં આવ્યું છે. બાર્ટન વિશે જાણીએ ઇતિહાસ અને હાલની સ્થિતિ.
કોણે બંધાવી બાર્ટન લાઈબ્રેરી ?
ભાવનગર રજવાડાના મહારાજાઓ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ ધરાવનારા તેમજ વિકાસના પંથે ચાલનારા હતા. પોતાના રાજ્યના યુવાનો અને શિક્ષિત વર્ગને વધુ મજબૂત બનાવવા માટે બાર્ટન લાઈબ્રેરીની સ્થાપના મહારાજા તખ્તસિંહજી દ્વારા 1882 પહેલા કરવામાં આવી હતી. મહારાજા તખ્તસિંહજીના ખાસ મિત્ર કર્નલ બાર્ટન રાજકોટના પોલિટિકલ એજન્ટ હતા. મિત્રના નામ પરથી તખ્તસિંહજીએ 1882માં બાર્ટન લાઈબ્રેરીના બિલ્ડીંગનું નિર્માણ કર્યું હતું. 30 ડિસેમ્બર એટલે આજના દિવસે બાર્ટન લાઈબ્રેરીનો જન્મદિવસ છે 143 વર્ષમાં (Barton library 143 years) બાર્ટન લાઈબ્રેરી પ્રવેશી છે.
બાર્ટન લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો કેટલા વાંચકો અને જન્મદિવસે શું ?
ભાવનગરની બાર્ટન લાઈબ્રેરી 143 વર્ષમાં પ્રવેશી છે, ત્યારે બાર્ટન લાઈબ્રેરી પાસે પોતાના 80,000 પુસ્તકો છે. આ સિવાય બાર્ટન લાઈબ્રેરીના નોંધાયેલા વાંચકો 600 જેટલા છે, જ્યારે કાયમી સભ્ય 150 જેટલા નોંધાયેલા છે. બાર્ટનમાં આજના નવી દિવસે કોઈ પણ વાંચક આવે તો તેને જોઈતું પુસ્તક મળી રહે છે અને ના હોઉં તો વ્યવસ્થા કરીને વાચકને આપવામાં આવે છે. બાર્ટનના જન્મદિવસ નિમિત્તે હલુરિયા ચોથી પુસ્તક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તક યાત્રા હલુરિયા ચોકથી બાર્ટન લાઈબ્રેરી સુધી નીકળી હતી.
બાર્ટન લાઇબ્રેરીમાં અલભ્ય પુસ્તકો અને કેમ થશે સંપૂર્ણ લાઈબ્રેરી કોમ્યુટરાઈઝ્ડ ?
ભાવનગર શહેરની બાર્ટન લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકોમાં કેટલાક પુસ્તકો એવા છે કે જેના કાગળને પકડવામાં આવે તો પણ ભુક્કો થઈ જાય છે. બાર્ટન લાઈબ્રેરીના ટ્રસ્ટી કૌશિક ભટ્ટએ જણાવ્યું હતું કે, બાર્ટન લાઈબ્રેરીને કોમ્પ્યુટરરાઈઝ્ડ કરવા માટે કલકતા ખાતે આવેલી રાજા રામમોહનરાય લાઈબ્રેરી ફાઉન્ડેશનમાં મંજૂરી માંગવામાં આવી છે અને મંજૂરી મળી પણ ગઈ છે. આગામી જાન્યુઆરીમાં જે પુસ્તકોને અડી જવાથી માત્ર ભુક્કો થાય છે તેવા પુસ્તકોનું કેમ કોમ્પ્યુટરરાઈઝ્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને બાદમાં બાર્ટન લાઈબ્રેરીના પુસ્તકોને ઓનલાઇન મુકવામાં આવશે. જોકે રાજ્ય સરકારના 10 લાખ ગ્રાન્ટ મળ્યા બાદ કેટલાક પુસ્તકોને કોમ્પ્યુટરરાઈઝ્ડ કરવામાં આવ્યા છે એટલે કે સ્કેન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં લાઈબ્રેરીના મોટાભાગના પુસ્તકો ઓનલાઇન કરવાની તૈયારી હાલ કરાઈ રહી છે.