સરકાર દ્વારા તાકીદે ટ્રાફિક નિયમોમાં જાહેર કરેલી દંડની રકમનો અસહ્ય વધારો પરત ખેંચવા ભાવનગર વકીલ મંડળની સરકારને વિનંતી છે. તે બાબતે ફરીથી વિચારણા કરી સામાન્ય પ્રજાના લાભમાં નિર્ણય લેવામાં આવે. હાલમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા 2001ની એક પીઆઈએલ નંબર 87 રવિશંકર ભારદ્વાજ V/s ડિરેક્ટર જનરલ ઓફ પોલીસના એક જજમેન્ટના અનુસંધાનમાં મુંબઇ હાઇકોર્ટે જણાવ્યું છે કે, જજમેન્ટના પેરા નંબર 54 નાં 2 (એ)માં દ્વિચક્રી વાહન ચાલકોને મહાનગરપાલિકા વિસ્તારમાં તથા નગર પાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવાનો હુકમ કરેલો છે.
તેમજ મુંબઈ હાઈકોર્ટ દ્વારા 2004 (1) એ.સી.સી. પાના નંબર-૩૨૦ ઉપરનાં ચુકાદા મુજબ દ્વિચક્રી વાહન ચાલકોને મહાનગરપાલિકા વિસ્તારમાં તથા નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવા ફરજિયાત નહિ હોવાનું ઠરાવવામાં આવેલ છે અને સ્ત્રીઓ અને પિલિયન રાઇડર્સને પણ હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપેલી છે. જેને ધ્યાને લઇને ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં મહાનગરપાલિકા વિસ્તારમાંથી હેલ્મેટને મુક્તિ આપવા ભાવનગર વકીલ મંડળે સરકારને વિનંતી કરી છે.
મહાનગરપાલિકાઓમાં ટુ-વ્હીલરનો ઉપયોગ કરનાર પ્રજાજનોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો ના છુટકે ભાવનગર વકીલ મંડળના વકીલો સવિનય કાનૂન ભંગ કરી હેલ્મેટના નિયમનો અનાદર કરશે અને જેલ ભરો આંદોલન કરતાં પણ ખચકાશે નહીં. જેથી આ પત્રોને ધ્યાને લઇ પ્રજાના હિતમાં અને વકીલોના હિતમાં મહાનગરપાલિકા વિસ્તારમાંથી ટુ-વ્હીલર ઉપર સવારી કરનાર ચાલકને હેલ્મેટમાંથી મુક્તિ આપવાનો ઠરાવ વિધાનસભામાં પસાર કરી તાકીદે અમલ કરાવવા ભાવનગર વકીલ મંડળના પ્રમુખે વિનંતી કરી છે.