- અલંગ શિપબ્રેકિંગ યાર્ડનો આગામી દિવસોમાં વધશે વિસ્તાર
- મથાવડા ખાતે નવા 15 પ્લોટો આવનાર દિવસોમાં લેશે આકાર
- ભાવનગર જીએમબી દ્વારા પ્લોટ માટેની જગ્યાનો સર્વે પૂર્ણ
- ટ્રાન્સપોર્ટ માટે રોડ માટેની જગ્યા બાબતે સર્વે તેમ જ સંપાદન કાર્યવાહી શરુ
ભાવનગર : વિશ્વમાં બીજા નબરનું સ્થાન ધરાવતા અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગને વધારવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમ જ કેન્દ્ર સરકાર દ્વારા અલંગ ઉદ્યોગમાં વધારો કરવા આગામી દિવસોમાં અલંગની બાજુમાં મથાવડા ખાતે નવા 15 પ્લોટ બનાવવાની કામગીરી આગળ વધી રહી છે. જેને માટે ભાવનગર જીએમબી દ્વારા પ્લોટ માટેની જગ્યાનો સર્વે પૂર્ણ થયા બાદ ટ્રાન્સપોર્ટ માટે રોડ માટેની જગ્યા બાબતે સર્વે તેમ જ સંપાદન માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મથાવડા ખાતે 15 નવા પ્લોટ બનાવવાની કામગીરી
અલંગ ખાતે હાલ અલંગમાં 153 પ્લોટ કાર્યરત છે, તેમાં 60 જેટલા પ્લોટમાં જહાજ ભાંગવાની કામગીરી ચાલે છે. મથાવડા ખાતે નવા પ્લોટ બનાવવા માટેની સર્વેની કામગીરી પૂર્ણ થઇ જતાં જીએમબી દ્વારા 100 x 100 ચો.મી જગ્યામાં પ્લોટ બનાવામાં આવનાર છે. જે 15 નવા પ્લોટ બનવાના છે તે પહેલેથી જ હોંગકોંગ કમ્પલાયન્સ મુજબના બનાવાશે તથા તેની સાઇઝ પણ મોટી રાખવામાં આવશે. જેથી મોટા કદના જહાજો લાવવા હોય તો આસાની રહે અને એક જ પ્લોટમાં એકથી વધુ જહાજો ભાંગવા હોય તો શક્ય બને તે પ્રમાણે બનાવવામાં આવશે.
શું કહી રહ્યાં છે જીએમબી અધિકારી
અલંગથી મથાવડાના પાકા રસ્તા બનાવવાનું કામ મંજૂર થયું છે. શિપબ્રેકિંગની ક્ષમતા બમણી કરવા માટે મથાવડામાં બનનાર 15 નવા પ્લોટ બાબતે જીએમબી અધિકારી લીમ્બાચીયા સાથેની ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મથાવડા ખાતે શિપિંગ ઉદ્યોગ માટે હાલ 15 પ્લોટો બનાવવાના છે જે 100 x 100 ચો.મી બનવાના છે. આ ઉપરાંત નવા પ્લોટો માટેના ટ્રાન્સપોર્ટ માટે અલંગથી મથાવડાના પાકા રસ્તા બનાવવાનું કામ મંજૂર થયું છે અને તેને માટેની જગ્યા બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ અલંગના 38 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જહાજ લઈને પહોંચી એક મહિલા કેપ્ટન
આ પણ વાંચોઃ અલંગમાં જહાજમાંથી નીકળતા કચરાને સળગાવવા છતાં પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને કશું નથી મળતું