- ભાવનગરના મંદિરોની હાલત દયનીય
- તંત્ર હસ્તકના મંદિરો વેન્ટીલેટર પર
- ભક્તોનો સવાલ, વિકાસ કોનો?
ભાવનગર : શહેરમાં રજવાડાની વિરાસત મંદિરોની હાલત દયનીય હાલતમાં છે. ગ્રાન્ટ છેલ્લા 10 વર્ષથી મળી નથી અને ભક્તો સવાલ કરી રહ્યા છે કે, મંદિરોમાં દાતા શોધીને પૂજારીઓ નાનું મોટું જિણોદ્ધાર કરાવે છે, પણ જવાબદાર સરકારી તંત્ર દાનપેટીઓ મૂકી એની રકમમાંથી વર્ષે 22 મંદિર પાછળ 60 હજાર જેટલો ખર્ચ કરે છે. મંદિરને ભાવિ ભક્તોએ ટકાવી રાખ્યા છે તેવુ કહેવું કંઇ ખોટુ નથી. ત્યારે મંદિરો પડીને પાદર બને, તો પણ કોઈને કંઈ પડી નથી. સૌ કોઈ પોતાનું કરવામાં વ્યસ્ત છે. તેવું ભક્તો જણાવી રહ્યા છે.
![મંદિરોની દયનીય હાલત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/specialrgjbvn01mandirpkgchirag7208680_24102020165817_2410f_01965_60.jpg)
- ભાવનગરના રાજાએ દેશને સોંપ્યું હતું પ્રથમ રજવાડું
ભારતના દેશી રજવાડાના વિલિનીકરણ સમયે આઝાદી બાદ કોઈ રાજ્યએ આગળ આવીને પહેલ કરી હોય તો એ ભાવનગરનું રજવાડું છે, પણ આજે પ્રજાને અફસોસ છે કે, કોંગ્રેસ અને ભાજપની સત્તામાં ભાવનગરના નાગરિકોને યાદ રાખવા જેવું કશું જ મળ્યું નથી. ભાવનગર દેશનું પ્રથમ રજવાડું છે કે, જેને દેશની પ્રથમ સરકાર બનાવવામાં પહેલ કરી હતી. સવાલ અહીંયા જ નથી અટકતો, પણ આ ભાવનગર જેવા શહેરમાં નેતાઓ પણ પાંગળા સાબિત થયા છે. રજવાડાની ભેટો ઐતિહાસિક હોવા છતાં તેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
![મંદિરોની દયનીય હાલત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/specialrgjbvn01mandirpkgchirag7208680_24102020165817_2410f_01965_824.jpg)
- ઐતિહાસિક રજવાડાના મંદિરોની ઉપેક્ષા અને લોકમત
ભાવનગરમાં રજવાડું સોંપ્યા બાદ સરકારી તંત્રને મંદિરો સોંપવામાં આવ્યા હતા, જેમાં 22 મંદિરોનો સમાવેશ થાય છે. કોંગ્રેસના રાજ્યમાં આ મંદિરોનો વિકાસ થયો નહીં પણ વિકાસના નામે સત્તામાં બેઠેલી ભાજપ સરકાર 20 વર્ષથી સત્તામાં હોવા છતાં મંદિરોમાં સમારકામ કરવામાં આવતું નથી. મંદિરમાં આવનારા ભક્તોને પણ આ સરકારની અસલીયત સમજાઇ ગઇ છે. હવે પ્રજાને એવું લાગી રહ્યું કે, ચૂંટાયેલા લોકોને પોતાના વિકાસમાં રસ છે, શહેરની ધરોહરમાં કોઈ રસ નથી. મંદિરો ખંડેર થઈ જાય તો પણ કોઇ તેના પર ધ્યાન આપશે નહીં.
![મંદિરોની દયનીય હાલત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/specialrgjbvn01mandirpkgchirag7208680_24102020165817_2410f_01965_916.jpg)
- ભાવનગરના તંત્ર શુ કહે છે ?
ભાવનગરનો વિકાસ એટલો થયો છે કે, ફલાય ઓવર, સિક્સ લેન જેવા મોટા પ્રોજેકટને મહાનગરપાલિકાની ચૂંટણી સમયે ત્રણ ત્રણ ચૂંટણીમાં મુદ્દા બનાવવામાં આવ્યા છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર કંઈ કામ થતું નથી, ત્યારે સત્તામાં બેઠેલા લોકોને ત્યારે 22 મંદિરોની દરકાર લેવાનો સમય તો ક્યાંથી મળે. આ બાબતે મામલતદારના જણાવ્યું મુજબ, શહેરમાં 22 મંદિરો છે. જેની ગ્રાન્ટ 10 વર્ષથી મળતી નથી. મંદિરોના લાઈટ બીલ, પૂજા વગેરેનો ખર્ચ મંદિરની દાનપેટીની રકમમાંથી ભરપાઈ કરવામાં આવે છે, જ્યારે શહેરની શાન કહેવાતી ગંગા દેરીની ખંડેર હાલત માટે પૂરાતત્વ વિભાગ જવાબદાર છે. કારણ કે, તે વિભાગને સોંપી દેવામાં આવી છે. આમ બે મસ્જિદ અને 22 મંદિર કુલ મળીને વાર્ષિક ખર્ચ 60 હજાર રૂપિયા થાય છે. ગંગા દેરી બાબતે પૂરાતત્વ વિભાગને વારંવાર જાણ કરવામાં આવી છે.
![મંદિરોની દયનીય હાલત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/specialrgjbvn01mandirpkgchirag7208680_24102020165817_2410f_01965_323.jpg)
- શહેરની શાન એવી ગંગા દેરી પણ ખખડધજ
કોંગ્રેસના સમયમાં ભાવનગરની તળાવની વચ્ચે રહેલી ગંગા દેરી હવે તળાવની પાળ સુધી આવી ગઈ છે. તળાવ ક્યાં ગયું એ પ્રશ્ન હજૂ અકબંધ છે. કોંગ્રેસ બાદ ભાજપે વિકાસ મોડેલના એજન્ડાથી સત્તામાં આવ્યા બાદ ગંગા દેરી પર આજે વૃક્ષો ઊગી નીકળ્યા છે. તેના આરસપહાણ ઊંચા થઈ ગયા છે. ભાવનગર શહેરમાં 2 પ્રધાન, પૂર્વ પ્રદેશ પ્રમુખ હોવા છતાં ગંગા દેરીની હળાહળ ઉપેક્ષા થઇ રહી છે. તેની પાછળ શું નેતાઓની વ્યસ્તતા જવાબદાર છે? લોકો પણ હવે સમજી રહ્યા છે કે, ઐતિહાસિક ધરોહરને સાચવવા સરકાર કે રાજકીય પક્ષ આગળ આવશે નહીં.