- અમદાવાદમાં રેમડેસીવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે ઝાયડસ હોસ્પિટલનો પ્રયાસ
- દર્દીનું આધાર કાર્ડ, RT-PCR રિપોર્ટ અને તબીબી ભલામણ પત્રની જરૂર પડશે
- કોરોનામાં દર્દીના પરિવારને રાહત મળી રહે એ માટે રૂપિયા 899માં ઇન્જેક્શન આપવાનું શરૂ કર્યુ
અમદાવાદ: રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસથી 600થી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં ક્રિટીકલ દર્દીઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી રહ્યા છે. તેવામાં કેટલાક દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય છે. જેને લઇને રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતી ઝાયડ્સ કંપની દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ ઇંજેક્શન ઝાયડસ હોસ્પિટલ ખાતે ફક્ત 899 રૂપિયામાં મળશે.
ઝાયડસ હોસ્પિટલ ખાતે રાહત ભાવે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે
ઝાયડસ કંપની દ્વારા ઇન્જેક્શન બનાવવામાં આવતું હોવાથી ઝાયડસ હોસ્પિટલ ખાતે રાહત ભાવે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. આ ઇન્જેક્શન ઝાયડસ હોસ્પિટલ ખાતે સવારે આઠ વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી આપવામાં આવશે. આ ઇન્જેકશન લેવા માટે દર્દીના પરિવારજનોએ દર્દીનું આધારકાર્ડ, RT-PCR રિપોર્ટ અને તબીબી ભલામણ પત્રની કોપી આપવાની જરૂર પડશે. ઝાયડસ કંપની દ્વારા રાહત દરે ઇન્જેક્શન આપવાની જાહેરાત કરતા વહેલી સવારથી જ હોસ્પિટલ ખાતે ઇન્જેક્શન લેવા માટે દર્દીના પરિવારજનોની મોટી લાઈન લાગી હતી.
આ પણ વાંચો: ભાવનગરમાં રેમડેસીવીર ઇંજેક્શનની અછત, ઇંજેક્શનના સ્ટોક સામે માગ વધારે
કાળાબજારિયાઓ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ કાળાબજારી
આ ઇંજેક્શન બહાર મેડિકલ શોપમાં 5 હજારથી 5,500ના ભાવનું મળી રહ્યું છે. તો કેટલાક કાળાબજારિયાઓ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનની પણ કાળાબજારી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. કાળા બજારમાં આ ઈન્જેક્શન 10,000થી 30 હજાર સુધીના ભાવનું વેચવામાં આવી રહ્યું છે. કેટલાક દર્દીઓને ઇમર્જન્સીમાં ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય તો કાળાબજારિયાઓ દર્દીના દર્દ નો ફાયદો ઉઠાવી કાળા બજારમાં ઇનજેક્શન વેચે છે. પરંતુ ઝાયડસ કંપની દ્વારા ઓછા ભાવે ઇન્જેક્શનનું વેચાણની શરૂઆત કરતા કાળા બજારી બંધ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી