ગાંધીનગર :કેન્દ્ર સરકારના નવા નિયમ મુદ્દે અને ગુજરાતમાં તેની અમલવારી બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડા એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે જે દુકાનદારો ખુલ્લી મીઠાઈ વેચતાં હોય તેવા તમામ વેપારીઓએ એક્સપાયર ડેટ લખવી ફરજિયાત છે, આ બાબતે જિલ્લા તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે. જ્યારે ફરસાણ એસોસિએેશનને પણ આ મુદ્દે જાણ કરી છે. આમ હવે રાજ્યમાં મીઠાઈના વેપારીઓએ મીઠાઈ ક્યાં સુધી ખાવાલાયક છે તે અંગેની જાણકારી પ્રદર્શિત કરવી પડશે. નહીં કરે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા તંત્ર અને ફરસાણ એસોસિએશનને આદેશની જાણ કરાઈ જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં શરૂ થનારા મોટા તહેવારો જેવા કે નવરાત્રિ અને દીવાળીમાં લોકો મોટી સંખ્યામાં મીઠાઈ ખાવાનું પસંદ કરે છે ત્યારે હવે સરકાર અને આરોગ્યતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી આ એસઓપીથી લોકોનું સ્વાસ્થ્ય ન બગડે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે તમામ મીઠાઈના વેપારીઓએ મીઠાઈના બોક્સ પર બનાવવાની તારીખ લખવી ફરજિયાત છે. મીઠાઈના પેકેટ પર તે મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરીશ શકાશે તે લખવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ ન કરનારા દુકાનદાર કે મીઠાઈના વેપારી વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ કરી શકાશે.ખુલ્લી મીઠાઈના ઉપયોગની તમામ માહિતી બોક્સ ઉપર રજૂ કરવી પડશે ઉલ્લેખનીય છે કે દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન સરકારી તંત્ર દ્વારા મીઠાઈની દુકાન પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે. પરંતુ અહેવાલ પૂર્ણ થઇ ગયાં બાદ આ તમામનો રિપોર્ટ નેગેટિવ અને પોઝિટિવ આવતો હોય છે ત્યારે હવે આ નવા નિયમથી જ ગ્રાહકને પણ ખ્યાલ આવશે કે મીઠાઈ કેટલા દિવસ સુધી વાપરી શકાશે.