અમદાવાદ: UPSCની એક્ઝામ આપી IAS બનવાની તૈયારી કરતી 23 વર્ષીય પરિણીતાને અભ્યાસ છોડી દેવા તેમજ દહેજ બાબતે પતિ સહિત સાસરિયા ત્રાસ આપવાનો હોવાનો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે.
આ પરિણીતાના ફોઇજી તેના પતિને અભ્યાસ છોડાવવા માટે ચડાવતા હોવાની વિગતો પરિણીતાએ જણાવી હતી. તેના પતિને તેના ફોઈજી ક્લાર્ક બનવાને લાયક નથી અને કલેક્ટર બનવાના સપના જોવે છે, તેનો અભ્યાસ છોડાવી ઘરકામ કરાવો જેવા મહેણા ટોણા મારતા હતા. ઉપરાંત તેના જેઠ જેઠાણી પણ તેના જેટલું ભણેલા ન હોવાથી તેને વંશવેલો આગળ વધારવા પર ધ્યાન આપ તેમ કહી માનસિક યાતના આપતા હતા.ચાંદખેડા વિસ્તારમાં આવેલા આદિત્ય રેસીડન્સીમાં રહેતી આ પરિણીતાએ તેના પતિ, સાસુ, સસરા, બે નણંદ, જેઠ, જેઠાણી, મોટા સસરા, ફોઈજી સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ પાટણના રહેવાસી છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે 2017માં પાટણના સિદ્ધનાથ નગર સોસાયટીમાં રહેતા યુવક સાથે તેના લગ્ન અમદાવાદના સુખડ ગામમાં થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરે ગઈ ત્યારે તેના સાસુ દાગીનાનું વજન કરાવવા જવેલર્સને ત્યાં લઈ ગયા હતા. જ્યાં દાગીનાનું વજન 38.5 તોલા થતા સાસરીયા ઉશ્કેરાયા હતા અને યુવતીના માતા-પિતાના અપેક્ષા મુજબ દહેજ આપ્યું નથી તેમ જણાવી તેને વારંવાર માનસિક રીતે હેરાન કરતા હતા. સાસરિયાની ચડવણીને પગલે પરિણીતાના પતિએ પણ તેની સાથે મારપીટ કરી હતી.
સાસરિયાના ત્રાસથી કંટાળી આ પરિણીતા આખરે તેના માતા પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને સ્ત્રીધન પરત મેળવવા માંગણી કરી હતી પરંતુ સાસરિયા દ્વારા તેના દાગીના અને રોકડ સહિત સ્ત્રીધન પાછું ન અપાતા તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. હાલ આ મામલે ફરિયાદ નોંધી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.