અમદાવાદ- ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 8 બેઠકોમાંથી 8 બેઠકો ભાજપ જીતી જશે, તેવો દાવો કર્યો છે. ડાંગ અને કપરાડા બેઠક પણ ભાજપ જીતી જશે. તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. બીજી તરફ કોંગ્રેસમાં પેટાચૂંટણીમાં કયા ઉમેદવારોને ઉમેદવારી આપવી તે અંગે આજે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાની હેઠળ બેઠકનો દોર આજ સવારથી ચાલી રહ્યો છે.
કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધેલાં તે 8 બેઠકો ખાલી પડી તેની આ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ 8 ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયાં છે. હવે અતિમહત્વનો સવાલ એ છે કે ભાજપનું મોવડીમંડળ પક્ષપલટુઓને ટિકીટ આપશે ખરાં? અને જો ટિકીટ આપશે તો સ્થાનિક લેવલે ભાજપના જ કાર્યકરો અને સીનીયર અગ્રણીઓ વર્ષોથી પાર્ટી માટે કામ કરતાં હોય તેમાં અંસતોષ ફેલાશે તે નક્કી છે. સામાન્ય રીતે ગુજરાતની જનતા પક્ષપલટુ નેતાઓને સ્વીકારતી નથી. હા જે પક્ષપલટુએ ફૂટવર્ક અને સ્થાનિક લેવલે તેણે ખૂબ સારા કામ કર્યા હોય તો તે ત્યાંની જનતાની મદદથી ચૂંટાય છે. અન્યથા પક્ષપલટુઓને મતદારો જાકારો આપતાં હોય છે. કોંગ્રેસની કથળેલી હાલત અને નેતાગીરીનો અભાવ વર્તાય છે. આમ તેમના પક્ષ હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યોને સાચવી રાખવામાં કોંગ્રેસ તદન નિષ્ફળ ગઈ છે. પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયાં ત્યારે તેમનું કહેવું હતું કે સત્તા પક્ષમાં રહીએ તો વિસ્તારના કામો થાય છે, ત્યારે તે વખતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહેવું પડ્યું હતું કે કામ તો બધી જ જગ્યાએ થાય છે. ટૂંકમાં તે ધારાસભ્ય અંગત કામોની વાત કરતાં હશે. હાલ કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો ભાજપ હાલ કોંગ્રેસયુક્ત ભાજપ બની ગયો છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં 5 ધારાસભ્યો બ્રિજેશ મેરજા, જે.વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ કમલમમાં જઈને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે, હવે તેઓ પેટા ચૂંટણીમાં ભાજપના નેજા હેઠળ ટિકીટ મેળવવાના સ્વપ્ન જોઈ રહ્યાં છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ આવ્યાં છે, ત્યારે તેમણે પ્રથમ પ્રવચનમાં સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ટિકીટ નહી મળે, પણ પાછળ તેમણે સુધારો કરવો પડ્યો હતો. નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હવે 8 ધારાસભ્યોની ચૂંટણીમાં ટિકીટ ફાળવણીમાં ખૂબ મહત્વનો રોલ ભજવશે, તે નક્કી છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવતાં ધારાસભ્યો હવે ભાજપ માટે આફત બને તો નવાઈ નહી. રૂપાણી સરકારમાં જયેશ રાદડિયા, કુંવરજી બાળવિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જવાહર ચાવડાનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે. રાતોરાત પ્રધાન બની ગયાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં કેટલાય વરિષ્ઠ ભાજપના નેતા લાઈનમાં ઉભાં હતાં, ત્યારે મૂળ કોંગ્રેસનું ગોત્ર ધરાવતા નરહરી અમીનને ટિકીટ આપી, અને તેઓ જીતી પણ ગયાં. તે ઉપરાંત આશા પટેલ, પરષોત્તમ સાબરિયા અને સી. કે. રાઉલજી પણ કોંગ્રેસી છે, તે ભાજપમાં ધારાસભ્ય છે. ભાજપ માટે મહત્ત્વનો સવાલ એ છે કે પક્ષપલટો કરનાર નેતાને ટિકીટ આપવી કે નહીં?, કારણ કે ગ્રાઉન્ડ રીપોર્ટ એવો છે કે પક્ષપલટો કર્યા પછી સ્થાનિક લેવલે પ્રજામાં રોષ છે, તેઓ તે નેતાને ન સ્વીકારે તો? માટે ભાજપના મોવડીમંડળ માટે હાલ પેટાચૂંટણીમાં ટિકીટ કોને આપવી તે માથાનો દુઃખાવો સાબિત થયો છે. પક્ષપલટુઓને ટિકીટ ફાળવીને અને જો બેઠક હારે તો તેની સીધી અસર પાછળ આવી રહેલી પાલિકા અને પંચાયતની ચૂંટણી પર પડશે. અલ્પેશ ઠાકોરના કેસમાં પણ આમ જ થયું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયાં અને રાધનપુર પેટાચૂંટણીમાં ટિકીટ આપી. ઠાકોર સેનાનું મજબૂત પીઠબળ છતાં અલ્પેશ ઠાકોર હાર્યા. એટલે અલ્પેશ ઠાકોરવાળી ન થાય તે માટે ભાજપ હાલ તો સજાગ છે.
બીજી તરફ કોંગ્રેસે 8 બેઠકો ખાલી પડી ત્યાં જઈને બરાબર સમારકામ કર્યું છે. કોંગ્રેસના નવા ઉપપ્રમુખ હાર્દિક પટેલ આ તમામ બેઠકો પર જઈને ફૂટવર્ક કર્યું છે, પણ હાલ હાર્દિક પટેલનો જાદૂ કેટલો ચાલે છે, તે તો સમય બતાવશે. પક્ષપલટુને મત ન મળે તે માટે કોંગ્રેસે હજી વધુ પ્રયત્નો કરવા પડશે અને તે બેઠક પર કોંગ્રેસે મતદાતાની વધુ નજીક જવું પડશે.
કોરોનાકાળમાં ચૂંટણી પંચે ચોક્કસ ગાઈડલાઈન્સ સાથે સત્તાવાર રીતે ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. હવે આ 8 બેઠકો જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પ્રતિષ્ઠાનો જંગ બનાવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવા વરાયેલા સી આર પાટીલ માટે 8માંથી 8 બઠકો જીતવીએ મોટો ટાસ્ક રહેશે, જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માટે નવી ટર્મમાં પ્રમુખ પદ જાળવી રાખવા માટે 8માંથી 5 બેઠક જીતવી પડશે. અને હવે તો હાર્દિક પટેલનો સાથ મળ્યો છે, પણ હાર્દિક પટેલનું ફેકટર કેટલું કામ કરે છે, અને ટિકીટ ફાળવણી પર પણ વધુ ધ્યાન જશે. ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારોને ઉભા રાખે છે, તેના પર જીતહારનો મદાર રહેશે.
ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈ ટીવી ભારત ગુજરાત