- ભગવાન વિષ્ણુનાં તુલસીને આશીર્વાદ
- આવતીકાલે તુલસી વિવાહ
- તુલસી વિવાહનું મહત્વ
અમદાવાદ: જ્યોતિષાચાર્ય ડો.હેમીલ લાઠીયાએ તુલસી વિવાહ(Tulsi wedding) બાબતે જણાવ્યું હતું કે, પૌરાણિક કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી. જલંધર(Jalandhar) અસુરીવૃત્તિનો હતો અને વૃંદા(vrinda) ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત(Vishnu Devotee) હતી. તે પતિ વ્રતા હતી તેના ભક્તિ અને સતિત્વના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો. જેથી તેની શક્તિના અભિમાનનાં કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવને હેરાન કરવા લાગ્યો હતો. આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને વિનવો. ત્યારે દેવો અને ઋષિઓ શિવજીને વિનંતી કરી હતી.
શિવજીએ કર્યો જલંધરનો વધ
શિવજીએ તેમના તપોબળથી જોયું તો જાલંધરની તાકાત તેની પત્નીનાં સતિત્વને કારણે છે. માટે તેમને વિષ્ણુને પણ સહાય કરવાનું કહ્યું પછી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું અને વિષ્ણું ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતિત્વ ભંગ કર્યું અને જલંધર શિવજીનાં હાથે હણાયો. આ વાતની જાણ વૃંદાને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ હતી.
ભગવાન વિષ્ણુને પાષાણ બનવાનો શાપ
તુલસીદેવીએ ક્રોધ વશ વિષ્ણુ ભગવાનને કહ્યું કે, મેં તમારી ખૂબ ભક્તી કરી અને તેનું તમે મને આ ફળ આપ્યું. તમે પાષાણ હૃદયના છો આથી તમને શ્રાપ આપુ છુ, કે તમે પથ્થર બની જાવ.
ભગવાન વિષ્ણુનાં તુલસીને આશીર્વાદ
તુલસીનો શ્રાપ સાંભળી દેવ, ઋષિઓએ વૃંદાને વિનંતી કરી તેથી વૃંદાએ ભગવાનની માફી માંગી, વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા. માટે તેમને આશીર્વાદ આપ્યા કે, તમે તુલસીનાં છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ, ત્યારે તમારી સાથે લગ્ન કરીશ તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું.
વિષ્ણુનું શાલિગ્રામ રૂપે પ્રાગટય
આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ (પથ્થર) સ્વરુપે પ્રગટ થયા અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા, બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યા. ભગવાન વિષ્ણું તુલસીનાં પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે.
તુલસી વિવાહનું પુણ્ય
તુલસી વિવાહના પ્રારંભથી હિંદુ ચાતુર્માસ પૂર્ણ થાય છે અને લગ્નનો પ્રારંભ થાય છે. હિન્દુ ધર્મમાં કન્યાદાનને સૌથી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે. એવી ભાવના રહેલી છે.
આ પણ વાંચો : ગિરનારમાં લીલી પરિક્રમા યોજાવાની ન હોવા છતાં પરિક્રમાર્થીઓ પહોંચ્યા તળેટી, જાણો કારણ...
આ પણ વાંચો : Children's Day 2021: બાળ દિવસ પર બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની લઈએ પ્રતિજ્ઞા