- દેશનું સોમવારે સામાન્ય બજેટ રજૂ થશે
- સામાન્ય બજેટ સાથે રેલવે બજેટને કરાયું છે મર્જ
- વર્તમાનમાં જેટલા પણ રેલવેના પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે, તે સમયસર પૂર્ણ થાય
અમદાવાદઃ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇ યુનિયનના પ્રેસિડેન્ટ આર.સી.શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે રેલવે બજેટને જનરલ બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું, ત્યારે રેલવેના વિવિધ પ્રોજેક્ટને ઝડપી ફંડ મળશે તેવી આશા હતી, પરંતુ તેવું થયું નથી. કોરોનાને કારણે સમગ્ર દેશમાં રેલવે બંધ રહી છે, ત્યારે લોકોની સુખાકારી ખાતર તુરંત જ ભારતીય રેલવેની પેસેન્જર સેવાઓ શરૂ કરવામાં આવે.
રેલવેના ઓનગોઇંગ પ્રોજેકટને સમયસર પૂર્ણ કરાય: આર.સી.શર્મા
આર.સી.શર્માએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા 2024 સુધીમાં ભારતીય રેલવેનું સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિફિકેશન કરવાનું લક્ષ્ય રખાયું છે. તેને પ્રાથમિકતા સાથે સમયસર પૂર્ણ કરવામાં આવે, તે માટે બજેટમાં યોગ્ય ફંડની ફાળવણી કરવી જોઈએ. વર્તમાનમાં જેટલા પણ રેલવેના પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે, તે સમયસર પૂર્ણ થાય તે માટે ફંડ આપવું જોઈએ. જો વર્તમાન પ્રોજેકટ સમયસર પૂર્ણ થાય તો બજેટમાં બીજા કોઈ નવા પ્રોજેક્ટની જોગવાઈ ન થાય તો પણ ચાલશે.
રેલવે એ ભારતમાં પ્રથમ નંબરનું પરિવહન તંત્ર
અમદાવાદના મણીનગર રેલવે પેસેન્જર યુનિયનના પ્રમુખ ઉપરાંત રેલવેમાં કેટલાય યુનિયનના હોદ્દા પર રહી ચૂકેલા દિલીપ પંડ્યાએ જણાવ્યું હતું કે, રેલવે એ ભારતમાં પ્રથમ નંબરનું પરિવહન તંત્ર છે. ગરીબ વ્યક્તિ પણ રેલવેનો ઉપયોગ કરે છે. વર્ષોથી લોકોની માંગ રહી છે કે, ધાર્મિક સ્થળોને જોડતી ટ્રેનો શરૂ થવું જોઇએ અને આ સ્થળો પર બ્રોડગેજ રેલવે લાઈન નાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના જુદા-જુદા સ્થળોએથી કેવડીયા જતી આઠ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગુજરાતને અલગ રેલવે ઝોન જાહેર કરાય: દિલીપ પંડયા
દિલીપ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડુ મથક તરીકે કરવાની માંગ ક્યારની થઈ રહી છે, જો તેમ થઈ શકતું ન હોય તો ગુજરાતને એક અલગ રેલવે ઝોન તરીકે જાહેર કરવામાં આવે, કારણ કે, ગુજરાતમાં મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટસ પણ આવી રહ્યા છે અને ગુજરાતમાં રેલવેનું વિશાળ નેટવર્ક છે.