- અમદાવાદ સિવિલમાં બિહામણું ચિત્ર
- કોરોના દર્દીના મૃતદેહ લેવા માટે લાંબું વેઇટિંગ
- 9 કલાક જેટલો સમય મૃતદેહ લેવામાં થાય છે
- ડેડ બોડી રૂમની બહાર સ્વજનોની લાંબી કતાર
અમદાવાદ: કોરોનાના કેસો જ્યારે વધી રહ્યા છે ત્યારે મૃતકના સ્વજનો ડેડ બોડી રૂમની બહાર રોકકડ કરી રહ્યા છે. જ્યારે ETV Bharatની ટીમે સ્વજનો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સવારના છ વાગ્યાથી લઈને પોતાના સ્વજનો મૃતદેહ લેવા માટે વલખા મારી રહ્યા છે. ત્યારે ડેડ બોડી રૂમની બહાર સ્વજનોની લાંબી કતાર પણ જોવા મળી હતી. મૃતદેહને લઈ સ્મશાન સુધી લઈ જવા માટે સબવાહિનીમાં પણ લાંબી લાઈનો જોવા મળી હતી. હોસ્પિટલના ગેટ ઉપર સ્પીકર પાસેથી મૃતકનું નામ જાહેર કરવામાં આવે છે અને રડતા સંબંધીઓ આશ્ચર્યજનક પગલાં લઇ મૃતદેહને ઉપાડવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો: પાટણમાં બેદરકારીઃ કોરોનાનો કેસ વધ્યા હોવા છતાં બજારોમાં જામી ભીડ
પેપર વર્ક અને કોરોના પ્રોટોકોલને લઈને લોકોમાં ભારે રોષ
ડેડ બોડી રૂમની બહાર સંબંધીઓ એકઠા થાય છે ત્યારે તેને લઈને કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ તે પણ એક પ્રશ્ન છે..?? જ્યારે 9 મૃતદેહ લેવા માટે 9 કલાક જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે. સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, આટલું જ નહીં સ્મશાન લઇ ગયા બાદ પણ ત્યાં વેઈટિંગ ચાલી રહ્યું છે ત્યારે પેપર વર્ક અને કોરોના પ્રોટોકોલની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધીની પરંપરા
અમે ભાજપને મત આપીને ભૂલ કરી: જનતા
આ મામલે સ્વજનોનું કહેવું છે કે, અમને અમારી રીતે ડેડ બોડી લઈ જવા દે અને ડેડ બોડી સોંપવાની કામગીરી ઝડપી કરવામાં આવે. જ્યારે હાલમાં હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે ત્યારે નેતાઓ માટે સિવિલમાં બેડની વ્યવસ્થા થઈ જતી હોય છે, તો સામાન્ય નાગરિકો માટે કેમ વ્યવસ્થા કરવામાં નથી આવતી. જ્યારે આ સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તેમનું કહેવું છે કે, અમે ભાજપને મત આપીને ભૂલ કરી છે.