● અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીનો અભિવાદન સમારોહ યોજાયો
● જિલ્લાના તમામ તાલુકાના હોદેદારો ઉપસ્થિત રહ્યા
● સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ
અમદાવાદ: તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ અને શહેરોના 39 જેટલા ભાજપ પ્રમુખોની નિયુક્તિ કરી છે. જેમાં અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસ્વામીની નિમણૂક કરાઇ છે. આજે વિધિવત રીતે તેમનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર અમદાવાદ જિલ્લાના જુદા-જુદા તાલુકાના ભાજપના કાર્યકરો તેમને મળવા આવ્યાં હતાં. આ પ્રસંગે હર્ષદગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમનું લક્ષ્ય 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં અમદાવાદ જિલ્લાની તમામ પાંચેય બેઠકો જીતવાનું રહેશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય, તે માટે તેઓ અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના કાર્યકરો સાથે મળીને સી.આર.પાટીલની આગેવાનીમાં કાર્ય કરશે.
