- લોકડાઉન અને કરફ્યૂમાં આર્થિક તંગી સર્જાતા ચોરીના રવાડે ચઢ્યા
- વેજલપુર પોલીસે કિન્નર સહિત 7 લોકોની કરી ધરપકડ
- જ્વેલર્સ શોપમાં કરી હતી ચોરી
અમદાવાદ: તાજેતરમાં જુહાપુરામાં આવેલા એક જવેલર્સ શોપમાં ત્રણેક લાખની ચોરીની ઘટના બની હતી. કરફ્યૂના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાંય કેમની ચોરી થઈ તે અંગે તપાસ ચાલી રહી હતી. આખરે પોલીસે ગુનો નોંધી બાતમી આધારે ફેઈઝાન શેખ, યુનુસ મન્સૂરી, સેફુલા પઠાણ, દાઉદ શેખ, સુનિલ પરમાર, નયન યાદવ અને શેફ અલી શેખની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: જામનગરમાં તબીબના મકાનમાં ત્રાટક્યા ચોર
ઘટના જવેલર્સ શૉ-રૂમમાં લાગેલા CCTVમાં કેદ થઈ
આ ગેંગે જ્યારે એક સપ્તાહ પહેલા અડધી રાત્રે જુહાપુરામાં આવેલા રોયલ અકબર ટાવરમાં એસ. આર. જવેલર્સના તાળા તોડી 3.40 લાખના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ગેંગ મિનિટોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી. આ આખી ઘટના જવેલર્સ શૉ-રૂમમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: જૂનાગઢ પોલીસે 90 લાખ કરતા વધુની સોનાની ચોરીનો ભેદ ઉકેલ્યો
પાડોશી દુકાનદારે બીજા દિવસે સવારે કોલ કરી જણાવ્યું
જ્વેલર્સના માલિકને પાડોશી દુકાનદારે બીજા દિવસે સવારે કોલ કરી જણાવ્યું હતું કે, દુકાનમાં ચોરી થઈ છે. જ્વેલર્સના માલિકે વેજલપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી CCTV ફૂટેજ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે તપાસ કરતા આરોપીઓ એક મકાનમાં ભેગા થયા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે મકાનમાં તપાસ કરતા આરોપીઓ સાથે મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. જ્યારે આગળ કેટલા ગુના કર્યા છે કે નહીં તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.