અમદાવાદઃ અમદાવાદ શહેરમાં 1લી જુનથી અનલૉક- 1.0 અમલમાં મૂકાયું છે, ત્યારે ધીરે ધીરે તમામ પ્રકારની દુકાનો અને માર્કેટ ખુલી રહ્યા છે. અમદાવાદમાં બુટ-ચપ્પલની દુકાનો પણ હવે ખુલી રહી છે અને લોકો ખરીદી કરવા પણ નીકળી રહ્યા છે. જોકે હજી વેપાર વધુ થયો નથી પરંતુ બોણી થઈ ગઈ છે. આગામી દિવસોમાં વેપાર ફરી ધમધમે તેવી આશા દુકાનદાર વ્યક્ત કરી રહ્યા છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી બુટ-ચંપલ સહિત અનેક વસ્તુઓની દુકાન ખોલવામાં આવી છે. ત્યારે કેટલાક લાંબા સમય પછી ચંપલની દુકાન ખુલતા લોકો ખરીદી કરતા નજરે પડ્યા હતા. ઉમેશ સિંહ નામના ખરીદારે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, લગભગ અઢી મહિના પછી દુકાનો ખુલતા હવે ચપ્પલ ખરીદવા આવ્યા છીએ. નોંધનીય છે કે, જુન મહિનો ચાલી રહ્યો છે અને આ સમય દરમિયાન શાળાઓ ખુલવાથી બાળકોના સ્કૂલ શુઝનું વેચાણ વધારે થતું હોય છે પંરતુ આ વખતે કોરોનાને લીધે શાળા મોડી ખુલવાની હોવાથી હાલ કોઈ ખાસ વેપાર નથી.
વિશાલ ગવારિયા નામના દુકાનદારે જણાવ્યું હતું કે, હજી કોઈ ખાસ નવો માલ આવ્યો નથી. જો કે હવે આશા છે કે સ્થિતિ રાબેતા મુજબ થઈ જશે અને વેપાર થશે. ઇટીવીના સંવાદદાતાએ જ્યારે બુટ-ચપ્પલની દુકાનોની મુલાકાત લીધી ત્યારે કેટલાક લોકો ખરીદી પણ કરી રહ્યા હતાં, એટલે કહી શકાય કે આર્થિક વ્યવહાર શરૂ થઈ રહ્યું છે. હજુ લોકોડાઉન 5 હોવાથી આખી બજાર ખુલી નથી અને ખરીદી માટે એટલા લોકો પણ નથી.
લગભગ અઢી મહિનાના કોરોના કાળને લીધે લોકો બહાર નીકળતા ડરી રહ્યા છે. આમ પણ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે છે અને મૃત્યુઆંક પણ હજારને વટાવી ચૂક્યું છે. સોમવારેે 24 કલાકમાં કોરોનાના 400થી વધુ કેસ આવતા સ્થિતિ હજી સુધરી નથી એ સ્પષ્ટ થાય છે.