- અમિત શાહે અમદાવાદ ડિસ્ટ્રિકટ ડેવલપેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી સાથે બેઠક યોજી
- અમદાવાદ જિલ્લાને દેશમાં મોડલ જિલ્લો બનાવવા કેન્દ્રીય ગૃહપ્રધાનની હાકલ
- આર્થિક અને સામાજિક સુધારાઓ પર સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડવા ગૃહપ્રધાને જણાવ્યું
અમદાવાદઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાની ડિસ્ટ્રિકટ ડેવલપેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઇ હતી. જેમાં અમિત શાહે અમદાવાદ જિલ્લાને દેશમાં મોડલ જિલ્લો બનાવવાની હાકલ કરી છે.
અમિત શાહની હાકલ
આ સમીક્ષા બેઠકને વીડિયો કોન્ફરન્સથી સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ જિલ્લાને સમગ્ર દેશમાં મૉડલ રૂપ બનાવવા દિશા નિર્દેશ આપ્યા હતા અને અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બનવા હાકલ કરી હતી.
ખેડૂતોને જરૂરી માર્ગદર્શન
કેન્દ્રીય ગૃહપ્રધાને જિલ્લા વહીટીતંત્રને ખેતીમાં પાક ફેરબદલી પર ભાર મુકવા માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો હતો અને જૈવિક ખેતી તરફ વાળવા તાકીદ કરી હતી.
અમદાવાદ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા પ્રયાસ
આ બેઠક બાદ પ્રતિભાવ આપતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે કહ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોના જીવનને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા કટિબદ્ધ છે અને 'દિશા' દ્વારા અમદાવાદ જિલ્લાના વિકાસની નવી દિશા આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, જિલ્લામાં સામાજિક સુરક્ષાની યોજનાને પ્રાથમિકતા આપવામા આવશે.
23 વિભાગના કામગીરીની સમીક્ષા
ઉલ્લેખનીય છે કે, આ દિશા બેઠકમાં 23 વિભાગોના કામની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી, બેટી બચાઓ, બેટી પઢાઓ, ઈ- ગામ-વિશ્વ ગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ આ બેઠકમાં અમદાવાદ જિલ્લામાં સેક્સ રેશિયોના સ્તરમાં સુધારો કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લામાં જાતિ પ્રમાણ(Sex-Ratio)ના સ્તરમાં સુધારો કરવા માટે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુએ 'સવાયુ સન્માન' 'કન્યા શક્તિ પૂજન 'અને 'આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસ'ની ઉજવણી જેવા પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા હોવાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરેલા કૃષિ રાહત પેકેજના અમલીકરણને વધુ સઘન બનાવવા માટે સૂચનાઓ આપી હતી. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં ચાલતા 'સહારા' પ્રોજેક્ટ, 'લાઈફ લાઈન' પ્રોજેક્ટ, 'કદમ' પ્રોજેક્ટ અને 'રાહત' જેવા વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો પણ વિશેષ ઉલ્લેખ કરાયો હતો.
સાંસદો, પ્રધાનો અને અધિકારીઓ વર્ચ્યુઅલ બેઠકમાં હાજર
આ બેઠકમાં સાંસદ કિરીટ સોલંકી, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સાંસદ નરહરિ અમીન, અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.