આ મામલે હાઇકોર્ટના સીંગલ જજે આપેલા ચુકાદાને યોગ્ય ઠેરવી તેને બહાલી આપવામાં આવી છે. ખંડપીઠે એવું અવલોકન કર્યું હતું કે, ‘પ્રસ્તુત કેસમાં જે સંજોગો ઊભા થયાં છે તેને જોતાં વિદ્યાર્થીને રાહત આપી શકાય તેમ નથી. કેમ કે જો રાહત અપાય તો એ તેને એક ‘સ્પેશિયલ કોરિડોર’ આપ્યા સમાન હશે અને એવી કોઇ સ્કીમ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત નથી.’
ખંડપીઠે એમ પણ નોંધ્યું હતું કે, ‘આ કેસમાં અરજદાર વિદ્યાર્થીએ લૉ કોલેજમાં પ્રવેશ માટેની કોમન ટેસ્ટની પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. જેથી આર્થિક નબળા વર્ગ(EWS)ની નીતિ, તેની અમલવારી અને તેને લાગુ કરવાના મુદ્દાઓને મૂલવવાનો કોઇ મતલબ જ રહેતો નથી.’ આ પ્રકારનું અવલોકન કરી હાઇકોર્ટની ખંડપીઠે વિદ્યાર્થીને રાહત નહીં આપી શકવાનું નોંધી અપીલ રદબાતલ કરી હતી.
આ સમગ્ર મામલે અરજદાર વિદ્યાર્થી તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ‘આર્થિક નબળા વર્ગ માટે 10 ટકા અનામતની ગુજરાતમાં અપનાવવામાં આવી હતી, પરંતુ ઓથોરિટી દ્વારા તેને કાર્યાન્વિત કરવામાં આવી નહોતી. જેના કારણે અરજદાર વિદ્યાર્થીની જેવા અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓ તેના બંધારણીય લાભોથી વંચિત રહી ગયા છે. અરજદાર વિદ્યાર્થીએ વર્ષ 2018-19 માં ધોરણ-12 ની પરીક્ષા પાસ કરી છે. 14 જાન્યુઆરી 2019ના રોજ બંધારણીય સુધારો કરીને EWS માટે 10 ટકા અનામતનો ક્વોટા શરૂ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર 23 જાન્યુઆરી 2019ના રોજ ઠરાવ કર્યો હતો. દરમિયાન અરજદાર વિદ્યાર્થીએ 21 ફ્રેબ્રુઆરી 2019ના રોજ કોમન લૉ એડમિશન ટેસ્ટ એન્ટરન્સ-CLATમાં બેસવા માટે ઓનલાઇન અરજી કરી હતી. જ્યારે તેણે ફોર્મ ભર્યું ત્યારે EWSનું ઓપ્શન તેમાં હતું જ નહીં. તેથી તેણે સામાન્ય કેટેગરીનું ઓપ્શન પસંદ કર્યું હતું. 26 મે 2019ના રોજ પરીક્ષા યોજાઇ હતી અને ઓલ ઇન્ડિયા લેવલમાં વિદ્યાર્થીનો રેન્ક 17251 આવ્યો હતો. જો કે તે આર્થિક નબળા વર્ગમાંથી આવતો હોવાથી તેણે 29 મે 2019ના રોજ A માટેનું સર્ટિફિકેટ મેળવ્યું હતું. પરંતુ તેને નેશનલ લૉ યુનિ.ની યાદીમાં સ્થાન મળ્યું નહોતું.’