- તમે અમને મદદ કરો તેના જવાબની રાહ જોઈ રહ્યો છું : અફઘાની વિદ્યાર્થી
- રડતા અવાજે કહ્યું કે, તાલિબાનો અભણ છે જુલમ ગુજારી રહ્યા છે
- ગુજરાત યુનિવર્સિટી મદદ ન કરી શકે જાણવા છતાં મરણીયો પ્રયાસ કર્યો
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિધાર્થી અને હાલમાં અફઘાનિસ્તાનમાં રહેતા વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીને એક ઓડિયો ક્લિપ મોકલી છે. આ ઓડિયો ક્લિપમાં વિદ્યાર્થીએ ત્યાંની પરિસ્થિતિ વર્ણવી છે અને મદદ માટે આજીજી કરી છે.
આ પણ વાંચો- અફઘાનિઓ માટે ફેસબૂકે જારી કર્યા સેફ્ટી ટૂલ, તાલિબાનથી બચવામાં કરશે મદદ
અમે છેલ્લા 20 વર્ષમાં જે મેળવ્યું હતું, તે બધું ગુમાવી દીધું છે: વિદ્યાર્થી
વિદ્યાર્થીએ પોતાના હદય દ્રવ્ય અવાજમાં જણાવ્યું છે કે, હું ગુજરાત યુનિવર્સિટીમાં જ 2 વર્ષ અગાઉ ભણતો વિદ્યાર્થી છું. હાલમાં અફઘાનિસ્તાનમાં પરિવાર સાથે રહું છું. તમે મારા દેશની પરિસ્થિતિ વિશે જાણો જ છો. અમે છેલ્લા 20 વર્ષમાં જે મેળવ્યું હતું, તે બધું ગુમાવી દીધું છે અને અત્યારે 2001માં પરત આવી ગયા છે. તાલિબાનો અભણ છે તે જુલમ ગુજારી રહ્યા છે.
તાલિબાનના કારણે મહિલાઓ પર પણ ઘણા પ્રતિબંધ આવ્યા છે
વધુમાં વિદ્યાર્થીએ કહ્યું કે, મે 1 વર્ષ સરકારી નોકરી કરી હતી અને અન્ય સંસ્થા માટે પણ કામ કર્યું હતું. તાલિબાનોને મારા કામ અંગે જાણ થશે તો મને મારી નાખશે. હાલમાં તો હું છુપાઈને ફરી રહ્યો છું. અત્યારે ઊભી થયેલી અણધારી પરિસ્થિતિને કારણે મારે અફઘાનિસ્તાન છોડવું છે. મારી સાથે મારી પત્ની પણ રહે છે જે 2 દિવસથી રડી રહી છે અને મને કહી રહી છે કે, તાલિબાનના કારણે મહિલાઓ પર પણ ઘણા પ્રતિબંધ આવ્યા છે, એજ્યુકેશન પણ હવે નહિ મળી શકે.
હું સ્કોલરશીપ પર ભારત આવવા તૈયાર છું: પૂર્વ વિદ્યાર્થી
રડતા અવાજે પૂર્વ વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું જાણું છું ગુજરાત યુનિવર્સિટીના સરકાર સાથે અને ખાનગી સંસ્થાઓ સાથે સબંધ છે. ભારતમાં અમારા માટે કોઈ કામ હોય તો અમને કામ આપી અમારી મદદ કરો. હું સ્કોલરશીપ પર ભારત આવવા તૈયાર છું. મારી પત્ની પણ મારી સાથે આવશે. બસ તમે શક્ય હોય તો અમને કામ અપાવો. અહીંયા ઘણી સમસ્યા છે, તાલિબાનમાં મારા કામનો અનુભવ જેને છે તે મારા માટે જોખમકારક છે. હું તમારા તરફથી અમને મદદ મળે તેના જવાબની રાહ જોઈ રહ્યો છું.
આ પણ વાંચો- અફઘાનિસ્તાન મુદ્દે ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
4 મિનિટની ઓડિયો ક્લિપમાં પૂર્વ વિદ્યાર્થીએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ વર્ણવી
4 મિનિટની ઓડિયો ક્લિપમાં પૂર્વ વિદ્યાર્થીએ ત્યાંની પરિસ્થિતિ વર્ણવી અને પોતાને લાગી રહેલા જોખમ અંગે ગુજરાત યુનિવર્સિટીને જણાવ્યું હતું. તેને ખબર છે કે, ગુજરાત યુનિવર્સિટી મદદ નહિ કરી શકે છતાં યુનિવર્સિટીમાં ભણ્યો હોવાના કારણે મદદ માટેનો મરણિયો પ્રયાસ વિદ્યાથીઓએ કર્યો છે.