- ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:
- ભક્તિ, જ્ઞાન અને અધ્યાત્મિકતાનું ભાથું બંધાવનાર છે ગુરુ
- પરમાત્માની ભક્તિમાં રસબોળ ગુરુઓએ ભક્તોને પણ તાર્યાં છે
અમદાવાદઃ ગુરુ એટલે વિશાળ, ગુરુ એટલે મોટું કદ, ગુરુ એટલે ગુણસ્વરુપ તો કોઇએ કહ્યું છે કે આખી ધરતીને કાગળ કરૂં બધી વનરાઈની લેખન, સાત સમુંદરની શાહી કરૂં ગુરુ તણાં ગુણ ન લખી શકાય. એટલે ગુરુગમ સુગમ તો નથી તેમ છતાં આપણી આસપાસ જે ગુરુજનોના કાર્યો થકી પરમાર્થની સુગંધ મહેંકી રહી છે તેવા ગુરુઓના નામોમાં ગુજરાતની જનતાના હૃદયાસને બિરાજતાં એવા ગુરુજનો વિશે જણાવીએ.
નારેશ્વરના સંત રંગ અવધૂતજી
આખી ધરતીને કાગળ કરૂ
બધી વનરાઈની લેખની
સાત સુમંદર ની શાહી કરૂ
ગુરુ તણા ગુણા ન લખી શકાય.
આષાઢી પૂનમની ગુરુવંદનામાં ગુજરાતભરના હૈયે વસેલા નારેશ્વરના સંત રંગ અવધૂતજીને યાદ કરીએ. રંગ અવધૂતનો જન્મ રુકમિણીબા અને વિઠ્ઠલપંત વળામેના ગૃહસ્થના ઘરમાં પાંડુરંગ તરીકે 21 નવેમ્બર 1898ના રોજ ગોધરામાં થયો હતો. પાંડુરંગમાં જન્મજાત જ ધર્મપરાયણતા જાણે રુંવેરુવે વસી હતી. ફક્ત દોઢ વર્ષની વયમાં તેમણે પિતાને પ્રશ્ન કર્યો હતો કે મૃત્યુ પામવું એટલે શું...પ્રશ્ન સમાપ્તિનો હતો પણ પાંડુરંગના જીવનમાં આ ક્ષણ સંતત્વનું બીજપ્રગટન કરનારી હતી. પિતાએ જવાબમાં જે કહ્યું તેમાં રામનામનો અમોઘ મંત્ર તેમને ગળે ઊતરી ગયો અને છેક સુધી તેઓ પરમની યાત્રાના પ્રવાસી બની રહ્યાં. અધ્યાત્મ અને જ્ઞાનપ્રાપ્તિ વ્યક્તિને સ્વયંને ઉજાગર કરવા માટે છે તે પંથમાં આગળ વધતાં એક મુકામ એવો આવી રહ્યો કે ગુરુનો ભેટો થઈ ગયો. માતા સાથે દર્શને ગયેલાં બાળ પાંડુરંગને વાસુદેવાનંદ સરસ્વતીના એવા આશીર્વાદ મળ્યાં કે તેમનામાં સહજતાથી પાંચમા ધોરણ સુધીના અભ્યાસમાં તો સનાતન ધર્મની કેટલીય પરીક્ષાઓ પાસ કરી દીધી હતી એટલું બધું તેમનું સંસ્કૃત પરનું પ્રભુત્વ હતું! ભણવામાં ખૂબ હોશિંયાર પાંડુરંગ વિવેકી હતાં, સત્યના આગ્રહી હતાં. આ જગુણો તેમના જીવનમાં એક બાદ એક સોપાન સર કરવામાં સહાયક બન્યાં હતાં.
પાંડુરંગે મેટ્રિક પછી ભારતની આઝાદીના જંગમાં ભાગ લેવા અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. જે તેમના ગુરુપદમાં દેશપ્રેમનો પરિચય આપે છે. શિક્ષક તરીકે પણ તેમણે કામ કરેલું એટલે એ અર્થમાં પણ ગુરુ તો તેઓ હતાં જ. પાંડુરંગે જોકે પ્રચલિત અર્થમાં 1923માં નોકરી છોડી સંન્યાસી જીવન સ્વીકાર્યું અને નર્મદાના કાંઠે નારેશ્વરમાં સ્થાયી થયાં તે બાદમાં તેઓ પૂર્ણસ્વરુપમાં પરમાર્થહિતકારી સંત અને ગુરુ તરીકે પ્રસ્થાપિત થયાં હતાં. આ એક પુસ્તક લખાય તેટલી વાતો તેમના માટે કહી શકાય છે પણ ટૂંકમાં કહીએ તો દત્ત સંપ્રદાયનો ફેલાવો કરવામાં તેમનું અનન્ય પ્રદાન છે. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં છે જે ગુજરાતી હિન્દી અને સંસ્કૃત ભાષામાં છે જેમાં મોટાભાગે આધ્યાત્મિક્તા અને દત્તાત્રેયની ભક્તિનું ગાન છે. તેમની લખેલી દત્તબાવની, શ્રી ગુરુલીલામૃત, દત્ત નામસ્મરણ અને અવધૂતપણાંના આનંદનું ગાન કરતાં ભજનોનો સંગ્રહ ઉપલબ્ધ છે. તેમની માતૃભક્તિનું ઉદાહરણ પણ જાણવા જેવું છે. તેમનું નિધન 19 નવેમ્બર 1968ના રોજ હરદ્વારમાં થયું હતું.આજીવન સમાજોપયોગી એવા અનેક કાર્યોના પ્રારંભ કરાવનાર રંગ અવધૂત તરીકે કંઇકેટલાય લોકોના જીવનમાં ગુરુ તરીકે તેમણે પ્રકાશ ફેલાવેલો છે તેને યાદ કરી શબ્દાંજલિ અર્પણ કરીએ.
પ્રકાંડ પંડિત જૈનાચાર્ય વિજયધર્મસૂરિશ્વરજી
ગુજરાતમાં અગ્રણી ધર્મસંપ્રદાયોમાં એક છે જૈન સંપ્રદાય. આ સંપ્રદાયમાં થઈ ગયેલાં વિજયધર્મસૂરિશ્વરજીનું નામ ગુરુપૂર્ણિમાએ કેમ કરીને ભૂલાય? યુગદિવાકર તરેકી બિરદાવાયેલાં મહાન જૈનાચાર્ય વિજયધર્મસૂરિશ્વરજીનો જન્મ વઢવાણમાં હીરાચંદભાઈ અને છબલબેનના ઘેર ભાઈચંદ તરીકે થયો હતો. વિક્રમ સંવત 1960માં થયો હતો. છ વર્ષની પિતા ગુમાવ્યાં હતાં. એમના માતાએ તેમને પ્રાથમિક શાળાના અભ્યાસની સાથે જ જૈન ધર્મના સૂત્રોનો અભ્યાસ શરુ કરાવી દીધો હતો જેમાં પંચપ્રતિક્રમણ સૂત્રનો અભ્યાસ કરાવ્યો. ભાઇચંદની સ્મૃતિ અને ગ્રહણશક્તિ ખૂબ તેજ હતી. નવ વર્ષની વયમાં આસપાસના ગામોમાં પ્રતિક્રમણ કરાવવા લાગ્યાં હતાં.અમદાવાદની સી એન વિદ્યાવિહારમાં તેમણે શાળાશિક્ષણ લીધું પણ ધર્મ પ્રત્યે તેમની વિશેષ રુચિ હતી તે તેમના માતાએ જોઇ હતી અને તેમને દીક્ષામાર્ગે વાળવામાં માતાની પ્રેરણા રહી હતી. 16 વર્ષની વયે શાળા છોડી દીધી.
વિક્રમ સંવત 1976માં સાંગણપુરમાં વિજયમોહનસૂરિ પાસે દીક્ષા લીધી અને તેમનું નામ મુનિ ધર્મવિજય રાખવામાં આવ્યું.બાદમાં તેમનો શાસ્ત્રાભ્યાસ આગળ ચાલ્યો. જેના પરિપાક સ્વરુપે આગળ જતાં તેઓ જૈન ધર્મના પ્રકાંડ પંડિત કહેવાયાં હતાં.સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું, તેમણે 'સુમંગલા' ટીકા લખી છે 'ભગવતીસૂત્રનાં પ્રવચનો', 'લઘુક્ષેત્રમાસ 'સહિતના સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. તેમને હસ્તે સંખ્યાબંધ મંદિરોનો જીર્ણોધ્ધાર, ઉપધાન તપ દેરાસર નિર્માણ થયાં છે.
મહામના પ્રમુખસ્વામી મહારાજ
સ્વામીનારાયણ ધર્મ સંપ્રદાયના હરિભક્તો માટે પ્રમુખ ગુરુપદ પામનાર આ મહાન સંત પણ ગુજરાતની ધરતી પર થઈ ગયાં છે. તેમનો જન્મ શાંતિલાલ પટેલ તરીકે 7 ડીસેમ્બર 1921માં ચાણસદમાં થયો હતો તેમનું જીવન, તેમનો સાધુજીવનનો પરિશ્રમ તેમના સદકાર્યો અને મંદિરનિર્માણ પ્રવૃત્તિ વિશે આજે ખૂબ બધી વિગતો આંગળીને ટેરવે ઉપલબ્ધ છે . નારાયણસ્વામી તરીકેનું સાધુજીવનનું નામ ધરાવતાં પ્રમુખસ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ હતાં. જેમણે 1950માં તેમને પોતાના અનુગામી તરીકે અક્ષરપુરુષોત્તમ સંસ્થાના પ્રમુખપદની ગુરુગાદી સોંપી હતી. યોગીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસના ગુરુ તરીકે ઘોષણા કર્યા પછી પ્રમુખસ્વામીએ પોતાના સદગુણોથી જે સેવાકાર્યો કર્યાં તેનુ સુગંધ જોતજોતામાં ગુજરાત જ નહીં દેશવિદેશમાં ફેલાઈ છે. પોતાના જીવનમાં તેમણે એવા અનેક રેકોર્ડબ્રેક કાર્ય પૂર્ણ કર્યાં છે કે એવી નોંધ રાખતી સંસ્થાઓમાં તેમનું નામ જોવા મળે છે.
સમાજ, રાજ્ય કે રાષ્ટ્ર પર જ્યારે કોઇ મોટી આફત આવી હોયત્યાં તેઓ પોતાના સાથીઓ સાથે દોડી જઇને રાહતકાર્ય કરતાં સૌએ આ મહામનાને નજરોનજર જોયાં છે. તેમનામાં સફળ નેતૃત્વના અને વ્યવસ્થાપકના ઉમદા ગુણો હતો તો બાળસુલભ સરળતા પણ ભારોભાર હતાં. તેમને મળવા આવતાં દેશવિદેશના મહાનુભાવોનો સમય આપતાંને મળતાં તેમ જ તેઓ સામાન્ય હરિભક્તને પણ મળતાં. ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ અને લંડનનું સ્વામીનારાયણ મંદિર કે પછી વિશ્વના અન્ય કેટલાક દેશોમાં જોવા મળતાં સ્વામીનારાયણ પંથના મંદિરોમાં તેમની દીર્ધદ્રષ્ટિનો સાક્ષાત્કાર થાય છે કે તેમણે આગામી પેઢીના સંસ્કારસિંચન માટે પણ કેટલું બધું વિચાર્યું હતું. તેમના ગુરુત્વનો મહિમા કરતાં આપણે પણ સ્વામી ચિદાનંદજીના આ શબ્દોમાં હોંકારો ભણી શકીએ કે, પ્રમુખસ્વામી મહારાજ પવિત્રતા, શાંતિ, પ્રેમ અને ગુરુકૃપાનું મૂર્તિમત સ્વરુપ છે. તેમના જીવનઆદર્શ દ્વારા અને પ્રેમસભર ઉપદેશ દ્વારા લાખો લોકોને ધર્મમય આધ્યાત્મિક જીવવમાં આગળ વધવાનો પથ મળ્યો છે જેમાં માનવજાતિનું હિત છે. આવા મહાન ગુરુ પ્રમુખસ્વામીને પણ ગુરુપૂર્ણિમાના દિવસે શત શત નમન.
મોરારિબાપુ
ગુજરાતની ધરતી પર વિદ્યમાન એવા સંતગુરુજનોમાં જેમની સહજ ગણતરી થઈ જાય એવા મોરારિદાસ પ્રભુદાસ હરિયાણીની પહેલી ઓળખ ભલે એક રામકથાકાર તરીકેની હોય, પણ તેમનામાં બાળપણથી જ ધર્મરુચિ, ધર્મશિક્ષણ અને સદભાવ સંસ્કારસિંચન અને કળાપ્રિયતા જોવા મળે છે. જળથી લઇ આકાશમાં કે મધદરિયે રામકથાનું રસપાન કરાવનાર મોરારિબાપુનો જન્મ મહિવાના તલગાજરડામાં થયો હતો. તેમના માતાનું નામ સાવિત્રીબા હતું. મોરારિબાપુ પર તેમના દાદા ત્રિભુવનદાસ હરિયાણીનો મોટો પ્રભાવ રહ્યો છે જેમને મોરારિબાપુ તેમના ગુરુ માને છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની ત્રિવેણી જેવા દાદાના સંગે મોરારિબાપુએ જીવનના મહત્ત્વના આદર્શ શીખ્યાં અને અમલમાં મૂક્યાં છે. તુલસીકૃત રામાયણનો પાઠ તેમની નજરે જાણીનાણીને જ મોરારિબાપુ તેમની કથામાં રસપાન કરાવે છે.
પ્રારંભિક જીવનમાં શિક્ષક રહેલાં મોરારિબાપુએ પહેલાં માસ પારાયણથી રામકથા શરુ કરી હતી જે સમયાંતરે નવ દિવસની રામકથા તરીકે ચૂંટેલા પ્રસંગો દ્વારા લૌકિક જીવનમાં પારલૌકિક તત્વોનું અનુસંધાન કરતી હોય છે. મોરારિબાપુનું ગામ તલગાજરડા અનેકવિધ સામાજિક સાંસ્કૃતિક અને કળાકીય પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર બની ચૂક્યું છે જ્યાં હનુમંત યજ્ઞ પણ થાય છે અને હનુમંત એવોર્ડ પણ આપવામાં આવે છે. મોરારિબાપુ દ્વારા યોજાતાં અસ્મિતા પર્વે ગુજરાતના પ્રબુદ્ધજીવનમાં પણ ખાસ જગ્યા બનાવી લીધી છે. મૂળ શિક્ષકજીવ હોવાથી મોરારિબાપુ દ્વારા થતાં કાર્યોમાં જીવનને ઉર્ધ્વગતિ કરાવતાં પ્રકલ્પમાં તેમનું મોટું યોગદાન સતતવાહી રહ્યું છે. તેમના વિવિધ કાર્યો, આદર્શો અને સત્સંગ અંગેના પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલ્બધ છે જેમાં માનસ પાદુકા, માનસ મુદ્રિકા માનસ કૈલાસ ગુરુકૃપા હિ કૈવલમ્ માનસસંત લક્ષણ, માનસ નિમ્બાર્ક માનસ રામકથાનો સમાવેશ થાય છે. તેમણે હિન્દી પુસ્તકોની સંખ્યા 334 કરતાં વધુ છે. તેમની રામકથાઓની કેસેટ, ડીવીડી અને વીસીડી પણ બહાર પાડવામાં આવી છે. તેમના વિશે આ ઉચિત જ કહેવાયું છે કે 'ગુજરાતના કથાકારોની સમૃદ્ધ પરંપરામાં મોરારિબાપુ તેમની અનેકવિધ સમાજાભિમુખ, સાહિત્ય સંસ્કારવર્ધક પ્રવૃત્તિઓને કારણે મોખરાનું સ્થાન શૌભાવી રહ્યાં છે તેઓ ગુજરાતનું ગૌરવ છે.'
કૃષ્ણ શંકર શાસ્ત્રીજી
કૃષ્ણની કરૂણા અને શંકરની સરળતા જેમના જીવનમાં પદે પદે ચરિતાર્થ થતી જોઇ શકાય તેવા કૃષ્ણશંકર શાસ્ત્રીજી એટલે કે લોકલાડીલા દાદાજી જો જન્મ ઇ.સ.1916માં વડોદરા જિલ્લાના સાધી ગામના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાના ધાર્મિક આચરણના કારણે કૃષ્ણશંકરજીને નાનપણથી જ ભક્તિમય વાતાવરણ મળ્યું જેથી તેમનામાં સદ્દગુણોનો સંચાર થયો. તેમનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ મેળ્યું. તેમની મેધા અને પ્રતિભાથી પ્રભાવિત થઇને શિક્ષકે તેમને અંગ્રેજી ભણાવવાનો આગ્રહ કર્યો, જ્યારે પિતાએ તેમને કાશી જઇને ભારતીય પરંપરા અનુસાર શાસ્ત્રોનું જ્ઞાન અર્જીત કરવાની પ્રેરણા આપી. આથી પિતાનું માન રાખીને પેટલાદમાં સંસ્કૃતનું પ્રારંભિક જ્ઞાન મેળવીને તેઓએ કાશીમાંથી વેદાન્તાચાર્ય અને કાવ્યાતીર્થની પદવીઓ મેળવી.
"सेवाधर्म: परमगहनो योगिनामप्यगम्य:"
આપણાં શાસ્ત્રોમાં યોગીઓ માટેની સેવા ધર્મના પાલનને મહત્વનો ગણવામાં આવ્યો છે. આજ નિયમનું પાલન કરીને દાદાજીએ શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય અને સંશોધનને લક્ષ્યમાં રાખીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી. જ્યાં તેમણે શિક્ષા માટે 3 શૈક્ષણિક સંકુલની સ્થાપના કરી. લોકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે દુનિયાભરમાં ભાગવત કથા કરી અને તેના માધ્યમથી તેમણે પ્રાચિન ધર્મોપદેશોને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા. આ ઉપરાંત તેઓએ ગુરુકુળ, ગૌશાળા શરૂ કરી. અમદાવાદ, ચંપારણ્ય, મુંબઇ, રામેશ્વર અને વિદેશોમાં મંદિરની સ્થાપના કરી. સામાન્ય માણસને યોગ્ય સારવાર મળે તે માટે રાહત દરે ઔષધાલય બનાવ્યા. ભારતીય સંસ્કૃતિનું રક્ષણ થાય અને લોકો સુધી તેનો પ્રચાર પ્રસાર થાય તેના માટે તેઓ સંશોધનના ભાગરૂપે કૃષ્ણનિધિ અને વલ્લભનિધીનામના પ્રકાશન મંડળ શરૂ કર્યા. જેમાંથી પ્રાચિન ગ્રંથ ભાગવતના 108 અર્થ વાળું પુસ્તક સહિત અનેક લુપ્ત થતા ધાર્મિક પુસ્તકો લોકો સુધી પહોંચાડ્યા. તેમના સમાજને એક નવી રાહ ચિંધવાના પ્રયત્નને બિરદાવવા માટે તેમને રાષ્ટ્રપ્રમુખ સર્વ પલ્લી રાધાકૃષ્ણના વરદ હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.