- સોમવારે રમા એકાદશી અને વાઘ બારસનો તહેવાર છે
- રમા એકાદશીથી જ દિવાળીના પર્વોનો પ્રારંભ થાય છે
- હિન્દુ ધર્મમાં એકાદશી અને વાઘ બારસનું છે મહત્વ
ન્યૂઝ ડેસ્ક : દિવાળીના તહેવારની સોમવારથી શરુઆત થઈ ચુકી છે. 1 નવેમ્બરના રોજ એકાદશી અને વાઘ બારસનો પર્વ છે. હિન્દુ ધર્મમાં આ દિવાળી પર્વનું વિશેષ મહત્વ રહેલુ છે. આસો મહિનાના કૃષ્ણપક્ષની એકાદશીને રમા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશી દિવાળીનાં ચાર દિવસ પહેલા આવે છે અને તેના બીજા દિવસે વાઘ બારસ આવે છે. આ પર્વમાં અગિયાસર, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, ગોવર્ધન પૂજા અને બાઈબીજ આવે છે, જેમાં સૌથી મોટો તહેવાર એટલે દિવાળી.
એકાદશી વ્રત રાખી કરવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા
આ એકાદશીનુ મહત્વ અન્ય એકાદશી કરતા વિશેષ હોય છે. આ દિવસે વ્રત રાખી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે. દિવાળીના પર્વોનો પ્રારંભ રમા એકાદશી થશે. રમા એકાદશીથી લઈને દેવદિવાળી સુધીનો સમયગાળો, ઉત્સવનો બની રહેશે. આસો વદ અગિયારસ એટલે રમા એકાદશી. આ અગિયારસ આખા વર્ષની સૌથી અંતિમ અગિયારસ છે. જેનું એક આગવું મહત્વ છે. આ વ્રત સ્ત્રી સ્નમાન સાથે જોડાયેલ છે. તેમજ તેની પાછળ દાંપત્ય જીવનનું મહત્વ દર્શાવતી એક દંતકથા પણ જોડાયેલી છે. આ વ્રત કરવાથી દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવા જેટલું જ ફળ મળે છે. કહેવાય છે કે, આ દિવસે વ્રત કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને તેને વૈકુંટમાં સ્થાન મળે છે.
વાઘદેવની પૂજા
ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાતમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.
દીવડા પ્રગટાવવાની શરૂઆત
ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી મંદિરો અને ઘરો રંગેબરંગી લાઈટિંગ્સથી ઝળહળી ઉઠે છે. તહેવારોમાં આંગણે રંગોળી બનાવાય છે. માર્કેટમાંથી લાવવામાં આવેલી નવી નવી વસ્તુઓથી ઘરની સજાવટ કરવામાં આવે છે. દિવાળી પર્વનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે વાઘ બારસ પર્વની ઉજવણી સાથે શહેરીજનો તેમના ઘર આંગણે રંગોળી પૂરવાનો તેમજ ઊંબરા પૂજવાની પરંપરાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં વાઘ બારસના દિવસથી દીવડા પ્રગટાવવાની શરૂઆત થઈ જાય છે. દરેકના આંગણામાં આજથી દીવા પ્રગટાવવામાં આવે છે. આજથી દિવાળીના તહેવારની શરૂઆત થાય છે. આ દિવસે વેપારીઓ પોતાના તમામ જૂના હિસાબો પૂરા કરીને નવા હિસાબની શરૂઆત કરે છે.
આદિવાસીઓ પણ કરે છે વિષેશ ઉજવણી
ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળી તહેવારનો પહેલો દિવસ ગણે છે. ડાંગ જિલ્લાના આદિવાસી લોકો પ્રકૃત્તિને દેવ માને છે અને તેની પૂજા અર્ચના પણ કરતાં હોય છે. અહીંના આદિવાસીઓ ઝાડ, પાન અને વાઘદેવને પૂજે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સંસ્કૃતીને અનુસરતી આદિવાસી પ્રજા ઉત્સાહ, ઉમંગ અને આસ્થા સાથે આજે વાઘ બારસની ઉજવણી કરશે.
આ પણ વાંચો: