- નવરંગપુરામાં 25 લાખ જેટલી રકમની ઘડિયાળની ચોરી
- ઉત્તરાયણની રજાના દિવસે બન્યો બનાવ
- દુકાનનું શટર તોડતા ચાદર આડી રાખી
અમદાવાદ: શહેરમાં પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ચોરીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે નવરંગપુરામાં આવેલી ઘડિયાળની દુકાનમાં 2 દિવસની રજામાં તસ્કરોએ આવીને 25 લાખ જેટલી રકમની મોંઘી ઘડિયાળોની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
કેવી રીતે તસ્કરોએ કરી ચોરી?
શહેરના નવરંગપુરામાં દુકાનમાં કામ કરતા કર્મચારી 2 દિવસની ઉત્તરાયણની રજા બાદ દુકાને પરત ફર્યા ત્યારે દુકાનનું તાળુ તૂટેલી હાલતમાં જોયું અને બાદમાં દુકાનની અંદર સામાન વેરવિખેર ઉપરાંત ઘડિયાળનો સ્ટોક ઓછો જોવા મળ્યો હતો. જેથી ઘડિયાળ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.
CCTV ફૂટેજ પ્રમાણે ચાદર આડી રાખીને ચોરી કરી
ઘટના અંગે તપાસ કરવામાં આવી ત્યારે 25 લાખ જેટલી રકમની મોંઘી ઘડિયાળ ગાયબ જોવા મળી હતી. જે બાદ દુકાનના CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, 5 ઈસમોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાંથી એક વ્યક્તિ તાળું તોડી રહ્યો હતો જ્યારે અન્ય વ્યક્તિ ચાદર આડી રાખીને તાળું તોડતા વ્યક્તિ અને અન્યની બચાવ કરતો હતો. આમ કુલ 5 વ્યક્તિઓ CCTV ફૂટેજમાં કેદ થયા હતા, જેમણે ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસે તપાસ શરૂ કરી
આ બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ધોળા દિવસે ચોરી કરવી એ પોલીસને પણ એક પડકાર છે, જેથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.