અમદાવાદ: પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમમાં પણ ગુનાખોરીનો ગ્રાફ હવે વધી રહ્યો છે. ત્યારે વસ્ત્રાપુરમાં હથિયાર બતાવી લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ છે. એક જ રાતમા ચોરીના બે બનાવ બન્યા છે. જે અંગે પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે.
શહેરના ગોતામાં રહેતા પ્રભુકુમાર યાદવ પ્રહલાદ નગર રોડ પર એક કંપનીમાં કામ કરે છે. તેઓ ગત રોજ મોડી રાત્રે તેમની નોકરી પૂરી તેમની સાથી કર્મચારી હસતી નામની યુવતી સાથે નીકળ્યા હતા. બંનેને ભૂખ લાગતા નાસ્તો કરવા માટે વસ્ત્રાપુર ગયા હતા.કોઈ જગ્યાએ નાસ્તો ના મળતા બંને વસ્ત્રાપુર તળાવ પાસે ખુલ્લા રોડ પર બેઠા હતા ત્યારે એક્સેસ લઈને કેટલાક શખ્સો આવ્યા હતા અને દેશી કટ્ટા સાથે આવેલા આ શખ્સોએ જે હોય તે આપી દે એમ કહી લમણે બંદૂક મુકતા તેમની પાસે 500 રૂપિયા હતા તે આપી દીધા હતા.
આ સાથે તે શખ્સોએ તેમનો ફોન સહિતનો સામાન લઈ લીધો હતો. બાદમાં યુવતીનું પર્સ લઈ ભાગી ગયા હતાં. જ્યારે અન્ય એક કિસ્સામાં ગુરુકુળ રોડ ઉપર રહેતા દશરથ પટેલ થલતેજ ખાતે આવેલા ટાઇટેનિયમ સ્કવેર પાસે સર્વિસ રોડ પર પસાર થતા હતા. ત્યારે તેમને પણ આ શખ્સોએ હથિયાર બતાવી મોબાઈલ ફોન સહિતની મતા લૂંટી લીધી હતી. જે મામલે તેમને પોલીસને જાણ કરી હતી.
બંને ગુના પોલીસે ચોપડે નોંધાયા છે અને પોલીસે બંને ગુનાની તપાસ શરૂ કરી છે. હાલ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.