અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સમગ્ર દેશભરમાં પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસ પોતાનો જીવ જોખમમાં મૂકીને ફરજ નિભાવે છે, ત્યારે પોલીસનું ગૌરવ વધારતી વધુ એક વાત સામે આવી છે. જેમાં એક મહિલા PSI વતનમાં પોતાના 1.5 વર્ષના દીકરાને મુકીને અમદાવાદમાં લોકોના સલામતી માટે ખડેપગે રહી ફરજ બજાવે છે.
શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ભાવનાબેન દેસાઈ નામના મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર ફરજ બજાવે છે. 20 માર્ચે જનતા કરફ્યૂ રાખવામાં આવ્યું હતું. તેના એક દિવસ અગાઉ ભાવનાબેને તેમના 1.5 વર્ષના દીકરાની પોતાના વતન મહેસાણામાં મુલાકાત લીધી હતી.
આ મુલાકાત બાદ મા-દીકરા વચ્ચે આટલું અંતર આવી જશે તેવું ભાવનાબેને વિચાર્યું પણ ન હતું. 20 માર્ચથી એક દિવસ પણ ભાવનાબેન પોતાની ફરજ ચૂક્યા નથી.
મહત્વની વાત એ છે કે, ભાવનાબેન પોતે દાણીલીમડા પોલીસ લાઈનમાં જ રહે છે. જ્યાં અનેક લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમ છતાં સવારે 8 વાગે પોતાના ફરજના સ્થળે હાજર થઈ રાતના 9 વાગ્યા સુધી ફરજ નિભાવે છે.
ફરજ દરમિયાન કેટલીક વાર પોતાના દીકરાની વાત આવે તો ભાવનાબેનની આંખ ભીની થઇ જાય છે, પરંતુ તેમની ફરજ તેમના આંસુ પણ લૂછી નાખે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં એક દિવસ પણ રજાની માંગણી કર્યા વિના અને જ્યાં સુધી ઉપરથી ઓર્ડરના આવે ત્યાં સુધી ફરજ પર હાજર રહેવા ભાવના બેન તૈયાર છે. સલામ છે આવા પોલીસકર્મીને કે, બધું ભૂલીને ફરજ નથી ચૂક્યા.