- ગુજરાતમાં કોરોનાની 500 વેક્સિન આવી
- વેક્સિન આપવા માટે સોલા સિવિલ અમદાવાદની પસંદગી
- સ્વસ્થ, તંદુરસ્ત, યુવાઓ પર પહેલા કરાશે ટ્રાયલ
- કોરોનાની રસી મુકાઈ છે કોલ્ડ સ્ટોરેજમાં
અમદાવાદ: સંપૂર્ણપણે સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય તેવા યુવાનોની પ્રાથમિક પસંદગી કોરોના રસીની ટ્રાયલ માટે કરવામાં આવી છે. અત્યારે 500 જેટલી વ્યક્તિ માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રસી આવી છે. જેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. સ્વયંસેવકો દ્વારા વ્યક્તિના ટ્રાયલ માટે નામની નોંધણી કરવામાં આવી છે.

કેન્દ્રીય નિષ્ણાંતોની ટીમ તબીબોને ટ્રેનિંગ આપશે
ભારત સરકારના આરોગ્ય વિભાગમાંથી તબીબી નિષ્ણાંત વ્યક્તિઓ તમામ પ્રકારની ટ્રેનિંગ સોલા સિવિલના તબીબોને આપવા માટે ટૂંક સમયમાં અમદાવાદ આવી પહોંચશે. આ તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ નિમાયેલી કમિટી અન્ય તબીબોને ટ્રેનીંગ આપી, તમામ પરિબળો, પડકારો અને માપદંડોથી સજ્જ કરવામાં આવશે.

કોરોનાની રસીના મહિનામાં બે ડોઝ અપાશે
ટ્રાયલ હાથ ધરવામાં આવનાર સ્વયંસેવકોને મહિને બે ડોઝ આપવામાં આવશે, એક ડોઝ આપ્યા બાદ તેની સતત દેખરેખ કરવામાં આવશે તેના શરીરમાં રસીના કારણે આવી રહેલા બદલાવ તેમજ તેની અસરોની સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ વ્યક્તિથી શરીરમાં થતા ફાયદા અને નુકસાન તેમજ તેની આડઅસરોની નોંધણી તબીબી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવશે. એક વર્ષ સુધી સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં આ રસીની ટ્રાયલ હાથ ધરવામા આવનાર હોવાનું આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું.
આગામી સમયમાં વ્યાપક ટ્રાયલ કરાશે
ગુજરાત રાજ્યમાં શહેર અને ગામડામાં રહેતાં નાગરિકો, સંપૂર્ણપણે સ્વસ્થ, વુદ્ધ, સૌ સ્વયંસેવકો, હેલ્થ વર્કરોને પણ આ રસીના ટ્રાયલ કરીને તેના પરિણામો ચકાસવામાં આવશે.