સદવિચાર પરિવાર કોરોનાકાળ દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોની આવ્યું વ્હારે - textile traders bank
કોરોનાકાળ(Corona) દરમિયાન અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક પરિવારોમાં કમાનાર વ્યક્તિ બેરોજગાર બન્યા છે, તો કેટલાક પરિવારો આર્થિક પરિસ્થિતિથી તૂટી ભાંગ્યા છે. ત્યારે સદવિચાર પરિવાર અને ટેક્સટાઇલ ટ્રેડર્સ બેન્ક(Textile Traders Bank)ના સહયોગથી આ પરિવારોને લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- જરૂરિયાતમંદ પરિવારોને એક લાખ રૂપિયાની પર્સનલ લોન
- બે હપ્તા સદવિચાર પરિવાર ભરશે
- રેગ્યુલર હપ્તા ભરવામાં આવશે તો બેન્ક 2 ટકા માફ કરશે
અમદાવાદઃ કોવિડ-19ની મુશ્કેલીની પરિસ્થિતિમાં સમાજને બેઠો કરવા માટે ટેક્સટાઇલ ટ્રેડર્સ કો-ઓપરેટીવ બેન્ક(Textile Traders Bank) અને સદવિચાર પરિવાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. કોરોના(Corona)ના કારણે આર્થિક રીતે તકલીફમાં મુકાયેલા અથવા તો એવા પરિવારો કે જેની ગુજરાન ચલાવવાની જવાબદારી નિભાવતા મોભી ગુમાવ્યાં હોય તેણે રૂપિયા એક લાખની પર્સનલ લોન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરાના 32 બાળકોને CM Bal Seva Yojnaમાં માસિક રૂ.4000ની સહાય, કોરોના મહામારીમાં ગુમાવી છત્રછાયા
જો સમયસર લોન પરત કરાશે, તો બે ટકા વ્યાજમાં ઘટાડો પણ કરાશે
પર્સનલ લોન લેનારા પરિવારને 10 ટકાના વ્યાજ દરે લોન અપાશે. જો સમયસર લોન પરત કરાશે, તો બે ટકા વ્યાજમાં ઘટાડો પણ કરાશે. તેમ જ લોન્ચ દરમિયાન બે હપ્તા સદવિચાર પરિવાર દ્વારા ચૂકવીને તેમને મદદરૂપ થવાશે. આ ઉપરાંત જો લોન લેનારા પરિવાર દ્વારા નિયમિત હપ્તા ચૂકવવામાં આવશે, તો બેન્ક દ્વારા છેલ્લો હપ્તો માફ કરવાની પણ યોજના અમલમાં મુકવામાં આવી છે.
કોવિડ-19માં પડી ભાંગેલા પરિવારોને મદદ કરવી સૌથી મોટી જવાબદારી કહી શકાય - સદવિચાર પરિવાર
સદવિચાર પરિવારના સંચાલક પી. કે. લહેરી, પંકજ શાહ, શૈલેષ પટવારી અને બેન્કના ચેરમેન ક્ષિતિજ મદનમોહનની ઉપસ્થિતિમાં આ અનોખી પહેલ કરવામાં આવી છે. બેન્કના ચેરમેને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને સહાયરૂપ થવું એ સૌથી મોટી મદદ કહી શકાય છે.
પરિવારોને બેન્ક દ્વારા રૂપિયા એક લાખની પર્સનલ લોન આપવામાં આવશે
કોરોના(Corona)કાળમાં ઘણા પરિવારોએ સર્વસ્વ ગુમાવ્યું છે, તો ઘણા પરિવારના કામ ધંધા અને વ્યવસાય બંધ થઈ ગયા છે. કોઇના પરિવારના મોભી નથી રહ્યા, તો આવી પરિસ્થિતિમાં આ પરિવારોને લોનના સ્વરૂપમાં પણ જો સહાય મળે માટે જ બેન્ક અને સદવિચાર પરિવાર દ્વારા એક યોજના અમલમાં મુકવામાં આવી છે. કોરોના(Corona)ના કારણે આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને બેન્ક દ્વારા રૂપિયા એક લાખની પર્સનલ લોન આપવામાં આવશે.
લોન મેળવવા ક્યાં પ્રકારની પ્રોસેસ કરવી પડશે?
સદવિચાર પરિવારે જેની નોકરી તથા ધંધા રોજગાર બંધ થઇ ગયા છે કે ચાલતા નથી તેવા પરિવારો પ્રત્યે સહાનુભૂતિ રાખી મદદરૂપ થવાના તથા સમાજ પ્રત્યે પોતાની ફરજ માનીને તેમની આર્થિક સહાયતા કરી શકીએ તેવા વિચાર સાથે જ રૂપિયા 1 લાખ સુધીની પર્સનલ લોન આપવાનું નક્કી કર્યું છે. જેમાં વ્યાજનો દર 8થી 10 ટકા સુધીનો તથા લોન પરત કરવાનો સમય મહત્તમ 36 મહિના સુધીનો રાખવામાં આવ્યો છે. 8 ટકાથી વધુ વ્યાજવાળી લોન લેનાર નિયમિતપણે હપ્તાની રકમ ભરે તો બેન્ક તરફથી બે ટકા વ્યાજમાં રાહત આપવામાં આવશે.
લોન લેનારે બેન્કના નિયત કરેલા ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે
સદવિચાર પરિવાર દ્વારા રૂપિયા 1 લાખ સુધીની લોન માટે પ્રોસેસિંગ ચાર્જ રૂપિયા 500 તથા લોન સમયગાળા દરમિયાન બે લોન હપ્તાની રકમ પણ લોન ખાતે જમા કરાવવામાં આવશે. લોન લેનારે બેન્કના નિયત કરેલા ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ બેન્ક માટેની મસ્કતી માર્કેટ, ન્યુક્લોથ માર્કેટ, આયોજન નગર તથા આશ્રમ રોડ શાખામાં સંપર્ક કરીને માહિતી તથા ફોર્મ મેળવી શકાશે. આ ઉપરાંત સદવિચાર પરિવારની ઓફિસ રામદેવનગર સેટેલાઈટમાં પણ સંપર્ક કરી માહિતી તથા ફોર્મ મેળવી શકાશે.
આ પણ વાંચોઃ કોર કમિટીમાં નિર્ણય : વાવાઝોડામાં અગરિયાઓને થયેલ નુકસાન બદલ ચૂકવાશે સહાય
મધ્યમ પરિવાર વ્યાજખોરોના ત્રાસથી પણ બચી શકે છે
પી. કે. લહેરીએ જણાવ્યું કે, આ યોજનામાં શહેરના નાગરિકો જો મદદરૂપ થવા ઈચ્છતા હોય તો તેઓએ પોતાની ચોક્કસ મૂડી બેન્કમાં જમા કરાવી તેનું વ્યાજ આ યોજનામાં આપી મદદરૂપ થઈ શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સદવિચાર પરિવાર દ્વારા મધ્યમ વર્ગના લોકો વ્યાજખોરોના ત્રાસથી બચે અને માનભેર પોતાનું જીવન જીવી શકે તે માટે આ પહેલ કરવામાં આવી છે. બીજી બાજુ અન્ય સરકારી બેન્ક તેમજ સામાજિક સંસ્થાઓ પણ આ પ્રકારની પહેલ કરે તો સમાજમાં સકારાત્મક વાતાવરણ થઇ શકે છે. લોનના હપ્તા માફ કરવા તેમજ પ્રોસેસિંગ ફી માફ કરવાની યોજના અન્ય બેન્કો અમલમાં મૂકી શકે તો તેને મધ્યમ પરિવારોને લાભ થઈ શકે છે.