- વેક્સિન લીધા હોવાથી ઝડપી રિકવરી
- બન્ને ડોઝ લીધેલા ડો યતીન દરજીને એક જ અઠવાડિયામાં અપાશે રજા
- ડેટા મુજબ પણ રસી લીધેલા દર્દીઓની સરખામણીએ ન લીધેલા દર્દીઓમાં રિકવરી લેટ
- એક અઠવાડિયામાં જ રિકવરી બાદ તેઓ 1મેના રોજ ઘરે પરત ફરશે
અમદાવાદ: ડો. યતીન દરજી હાાલ કોરોનાની 1,200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. તબીબી સારવાર અને વેક્સિનના બંને ડોઝના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડીઝ કોરોના વાઇરસ સામે પોતાની કામગીરી કરી રહ્યા છે. તેઓ કોરોના વોર્ડમાં હાલ સારવાર મેળવી રહ્યા છે અને 1 મેના રોજ સાજા થઇને ઘરે પરત ફરશે.
શું છે ડૉ. યતીન દરજીની અપીલ
કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતા ડો યતીન દરજીનું કહેવું છે કે, મેં કોરોનાની રસી લીધી હતી તેના કારણે જ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ ખૂબ જ ઝડપી સાજો થઇ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ કોરોનાની રસી અચૂકપણે લઇને સંક્રમણથી સુરક્ષિત થવું જોઇએ.
રસી લીધા બાદ પણ સરકારી દિશાનિર્દેશોના પાલન કરવા જરૂરી
ડૉ. યતીન દરજીનું માનવું છે કે, કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ પણ સરકારી દિશાનિર્દેશોના પાલન કરવા જરૂરી છે. રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જતા સંક્રમણ લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે. તેઓ દ્રઢ પણે કહે છે કે, કોરોના રસીકરણ કરાવ્યા સિવાયના દર્દીઓ જ્યારે સંક્રમિત થયા બાદ સારવાર અર્થે આવે છે તેના કરતાં વેક્સિન લીધા બાદ સંક્રમિત થયેલ દર્દીમાં કોરોનાના લક્ષણો સામાન્ય હોય છે.
કોરોનાની રસી લીધા બાદ સંક્રમિત થયેલા દર્દીઓમાં સંક્રમણની ગંભીરતા મહદઅંશે ગંભીર જોવા મળી નથી
કોરોના ડેઝીગ્નેટેડ 1,200 બેડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે, છેલ્લા એક વર્ષથી લગાતાર અમેં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યાં છીએ. અમારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ દાખલ થાય ત્યારે વેક્સિનેટેડ છે કે નહીં તે ઓ.પી.ડી.માં નોંધવામાં આવે છે. આ તમામ ડેટા પરથી જોવા મળ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ સંક્રમિત થયેલા દર્દીઓમાં સંક્રમણની ગંભીરતા મહદઅંશે ગંભીર જોવા મળી નથી.