- ડ્રગ્સના કારણે પત્ની અને બાળકો છોડી ગયા
- 10 વર્ષ સુધી અમદાવાદના રસ્તાઓ પર રહેવું પડ્યું
- પરિવારે સાથ છોડ્યો, બહેને પ્રસંગમાં પણ ન બોલાવ્યો
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લા 57 દિવસમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ (drugs in gujarat) દરિયાઈ માર્ગે ઝડપાયું છે, ત્યારે ડ્રગ્સના બંધાણીને કેવા પ્રકારનું આર્થિક-સામાજિક નુકસાન (Socio-economic loss) થઈ રહ્યું છે તેને ઉજાગર કરતા અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેને જોઈ અને વાંચીને તમારૂં હ્રદય હચમચી જશે, ત્યારે Etv ભારત દ્વારા અમદાવાદનો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક હસતા-રમતા પરિવારને ડ્રગ્સે અલગ કર્યા હતા. નિરંતર રીતે ડ્રગ્સનો નશો (drugs addiction) કરનારા મોહમ્મદ જાવેદને પરિવારજનોએ જ લાવારીસ જાહેર કર્યો હતો.
કોણ છે જાવેદ મોહમ્મદ?
જાવેદની વાત કરવામાં આવે તો અમદાવાદના સરખેજ વિસ્તારનો તે રહેવાસી છે. જે વર્ષ 1997થી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને સતત 15 વર્ષ સુધી ડ્રગ્સના નશાથી છૂટ્યો નહોતો. 1997માં ડ્રગ્સનો એવો નશો લાગ્યો કે ઝઘડા થવા લાગ્યા અને ત્યારબાદ મોહમ્મદ જાવેદની પત્ની તેના 3 સંતાનો સાથે ઘર મૂકીને ચાલી ગઈ હતી. ત્યારબાદ મોહમ્મદ જાવેદ પોતાના મોટા ભાઈ અને બહેન સાથે રહેતો હતો, પરંતુ તેમ છતાં પણ મોહમ્મદ જાવેદમાં કોઈપણ પ્રકારે સુધારો ન આવતા તેમના પરિવારે જ મોહમ્મદ જાવેદને ઘરવિહોણો કરીને લાવારિસ જાહેર કર્યો હતો.
પહેલા બ્રાઉન સુગરની પડીકી 25 રૂપિયામાં મળતી હતી
મોહમ્મદ જાવેદે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 1997માં અમદાવાદમાં બ્રાઉનસુગર 25 રૂપિયાની પડીકી મળતી હતી, જ્યારે ચરસ-ગાંજો 5 રૂપિયાની સામાન્ય કિંમતમાં મળતા હતા, પરંતુ એ સામાન્ય કિંમતની મારે ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી છે, જેનો આજે પણ મને વસવસો અને અફસોસ છે.
10 વર્ષ અમદાવાદના રસ્તા પસાર કર્યા
મોહમ્મદ જાવેદે etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 1997થી બ્રાઉનસુગર, સફેદ પાવડર, ચરસ, ગાંજો આમ તમામ પ્રકારનો નશો કરતો હતો અને ત્યારબાદ તેમની પત્ની તેમના બાળકોને લઈને અલગ રહેવા જતી રહી હતી. ત્યારબાદ પરિવારજનોએ પણ તેમને લાવારિસ મૂકી દીધા હતા અને 10 વર્ષ સુધી અમદાવાદના રસ્તાઓ પર શિયાળો, ઉનાળો, ચોમાસુ, ગમે તેવી પરિસ્થિતિ હોય તે તમામ પરિસ્થિતિ રોડ-રસ્તા ઉપર જ પસાર કરી. Etv ભારત સાથે મોહમ્મદ જાવેદે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.
વર્ષ 2011-12માં પરિસ્થિતિમાં સુધારો આવ્યો
મોહમ્મદ જાવેદે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો અને તેઓએ વ્યસનમુક્તિ કેન્દ્રમાં એડમિશન લઈને ડ્રગ્સથી છૂટકારો મેળવ્યો હતો. તેમને અનેક પ્રકારનો પસ્તાવો થયો હતો અને ત્યારબાદ નયા જીવન ટ્રસ્ટના કાઉન્સિલિંગ પણ સતત મનમાં જ રમ્યા કરતા હોવાનું નિવેદન પણ આપ્યું છે.
ડ્રગ્સના બંધાણી ડ્રગ્સ ના લે તો શું થાય?
જાવેદે પોતાનો અનુભવ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ સતત ડ્રગ્સ લઇ રહ્યું હોય અને અચાનક જ ડ્રગ્સ ના મળે અથવા તો ડ્રગ્સ ન લે તો જે તે વ્યક્તિને ઝાડા થઈ જાય છે, શરદી થઈ જાય છે, હાથ-પગમાં દુ:ખાવો થાય છે. આ ઉપરાંત કોઈપણ જગ્યાએ સારું ન લાગે અથવા તો નાકમાંથી અને આંખમાંથી પાણી વહેવાની શરૂઆત થઈ જાય છે.
આજે બહેનના ઘરે પ્રસંગ પણ આમંત્રણ નહીં
મોહમ્મદ જાવેદે Etv ભારત સાથે પોતાની આપવીતી અને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ડ્રગ્સના કારણે મને મારા પરિવારજનોએ વિખોટો કરી દીધો છે. જ્યારે આજે મારી બહેનના ઘરે લગ્નનો પ્રસંગ છે તેમ છતાં મને કોઈપણ જાતનું આમંત્રણ આપવામાં આવ્યું નથી. આમ ભૂતકાળમાં કરેલા કાર્યોનું અત્યારે ફળ ભોગવી રહ્યા હોવાની વાત પણ મોહમ્મદ જાવેદે કરી હતી.
ડ્રગ્સ છોડયા બાદ હવે નવું જીવન શરૂ થયું
મોહમ્મદ જાવેદે વધુમાં પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, વર્ષ 2011 પછી તેઓએ ક્યારેય પણ ડ્રગ્સ કે કોઈપણ અન્ય નશો કર્યો નથી, ત્યારે હવે જીવન સારું થઈ રહ્યું છે. તેમણે હવે બીજા લગ્ન પણ કરી લીધા છે અને 4 વર્ષનો બાળક પણ છે. આમ આજના યુવાનોને સંદેશ આપતા જાવેદે જણાવ્યું હતું કે, આ ફક્ત અમુક ક્ષણ અને અમુક સમય માટે હોય છે, પરંતુ ડ્રગ્સ આખી જિંદગી ખરાબ કરી નાંખે છે. તેથી કોઈપણ પ્રકારનું ટેન્શન હોય તેને અન્ય કોઈ રીતે હલ કરવું, પરંતુ ડ્રગ્સનો સહારો ન લેવો જોઈએ.
આ પણ વાંચો: War Against Drugs: ગુજરાતમાંથી 5 મહિનામાં અંદાજિત 24,800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: RTE માં ખોટા દસ્તાવેજ રજૂ કરવા મામલે વધુ 3 વાલીઓ સામે કાર્યવાહી DEO કરશે