અમદાવાદઃ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા જ વરસાદી સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે. જેને પગલે આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ઓછો નોંધાયો છે તેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ જેવા કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે બાદ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે.
જો કે, આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 7 ઓગસ્ટે વલસાડ રાજકોટ જૂનાગઢ મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જામનગર પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાના પગલે તમામ જિલ્લાઓના કલેક્ટર્સને સ્ટેન્ડ-ટુ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.