- વેપારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું
- ભાડુઆતના માનસિક ત્રાસથી કંટાળી વેપારીએ આત્મહત્યા કરી
- વેપારીની જગ્યા પચાવી પાડવા હેરાન પરેશાન કરવામા આવતો
અમદાવાદ: શહેરમાં આત્મહત્યાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વેપારીનું એસ્ટેટ અને જમીન પચાવી પાડવા માનસિક ત્રાસ આપતા હોવાથી વેપારીએ આત્મહત્યા કરી હોવાનો વેપારીના પરિવારે આક્ષેપ કર્યો છે. જ્યારે વેપારીએ ઘરેથી નીકળી નર્મદા કેનાલમાં જંપલાવી આત્મહત્યા કરી છે.
વેપારીના ઘરેથી એક સુઈસાઈડ નોટ પણ મળી
આ મામલે વેપારીના પત્નીનો આક્ષેપ છે કે, રખિયાલ વિજય પેટ્રોલપંપ ખાતે આવેલી એન.આર.એસ્ટેટ અમારી ભાડે આપેલી જગ્યામાં ભાડુઆત જગ્યા પચાવી પાડવા અને બીજી અન્ય જગ્યા પચાવી પાડવા અમને છેલ્લા 1 કે દોઢ વર્ષથી અમને હેરાન પરેશાન કરી રહ્યા છે. વેપારીને અવારનવાર બીભત્સ ગાળો બોલીને ઝધડો કરતા હતા. માનસિક ત્રાસ આપતા હતા. મારા પતિએ કંટાળીને આત્મહત્યા કરી છે. વેપારીના ઘરેથી એક સુઈસાઈડ નોટ પણ મળી આવી છે. હાલ તો પોલીસે ભાડુઆત સંદીપ શાહ, રમેશ શાહ, બાબુ ચાવલા, ભારત ચાવલા, ફારૂક શેખ સહિત અન્ય 1 વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી
આ મામલે આરોપીઓ વેપારીને અવારનવાર પોતાના એસ્ટેટમાં જવા તેમજ આવવા માટે ના પાડતા હતા. આ ઉપરાંત વેપારીની પત્નીને પણ હેરાન કરતા હોવાનું પત્નીએ જણાવ્યું છે. જેમની સામે ગુનો નોંધાયો છે તે તમામ સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વો તરીકે છાપ ધરાવે છે. અન્ય સ્થાનિકોને પણ હેરાન કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હવે પોલીસ દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. હાલમાં તો પોલીસે આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.