અમદાવાદ: કોરોના કાળમાં દર્દીઓ પાસેથી કોરોના સારવારના નામે લાખો રૂપિયા પડાવનાર ડૉકટરનું લાયસન્સ આખરે 3 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનની ફરિયાદ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોકટર વિપુલ પટેલનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.
વિગતે વાત કરીએ તો ડૉકટર વિપુલ પટેલ પાસે MBBSની ડીગ્રી હતી, છતાં તેઓ MD હોવાનું જણાવતાં હતાં. કોરોનાના કપરા કાળમાં પુષ્પ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાવ્યાં હતાં, જેમાંથી એક દર્દી પાસે 19 લાખ બિલપેટે માંગ્યા હતાં અને હોસ્પિટલના 4.5 લાખ જ ચૂકવ્યાં હતાં. બાદમાં રકમના ચેક લેવા મિશન એન્ટરપ્રાઇઝના નામે ખોટી સંસ્થા પણ ઊભી કરી હતી. જે બાદ દર્દીએ વીમા કંપનીમાં બિલ આપ્યું હતું અને વીમા કંપનીએ તપાસ કરાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં મિશન એન્ટરપ્રાઇઝ ખોટી ઊભી કરેલ સંસ્થા છે તેવું જાણવા મળ્યું હતું.