અમદાવાદ : કોરોના વાઈરસનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે, ત્યારે વિદેશમાંથી અમદાવાદ પરત ફરેલા 800 લોકોને હોમ ક્વોરન્ટીન (ઘરમાં અલાયદા) રખાયા છે. તેમાંથી 500 લોકો હાલ શંકાસ્પદ છે જયારે 300 લોકોનું 14 દિવસ સુધી ફોલોઅપ કરાઈ રહ્યું છે. 500 લોકોને મ્યુનિસિપલ દ્વારા માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોનાની ગાઇડ લાઇનની કિટ અપાઈ રહી છે.
રાજ્યમાં લાગુ કરાયેલા એકેડેમિક એકટ અંતર્ગત હવે વિદેશમાંથી કોઈ પણ વ્યકિત આવે તો તેમને તાવ, શરદી, ખાંસી હોય કે ના હોય તેઓએ ફરજિયાત હોમ કોરોન્ટાઈન કરી દેવામાં આવે છે. 14 દિવસ સુધી તેઓએ ઘરની બહાર નીકળવું નહીં અને ઘરમાં પણ કોઈના સંપર્કમાં આવવા સામે રોક લગાવી છે. બીજી તરફ મંગળવારથી 29 માર્ચ સુધી કાંકરિયા ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, નોકટરનલ ઝૂ, કિડ્સ સિટી, અન્ય રાઈડ્સ તથા કાંકરિયા લેક ફ્રન્ટ અને મોર્નિંગ વોક બંધ કરાયા છે.