અમદાવાદ: નવરંગપુરાની આવેલી શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં જવાબદાર લોકોઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દંડની રકમ તેમની પાસેથી વસુલવામાં આવે એવી માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, હોસ્પિટલ ફાયર સેફટીના નિયમોનું પાલન કરતા નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં આ મુદ્દે ધ્યાન આપવામાં આવતું નથી અને પરિણામે આવી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં લોકોને જીવ ગુમાવાનો વારો આવે છે.
આ અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે, આ દુર્ઘટનાના જે આરોપીઓ છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર ઘટના-
6 ઓગસ્ટ - અમદાવાદ: નવરંગપુરાની શ્રેય કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગથી 8 દર્દીના મોત
અમદાવાદ શહેરમાં એક ખૂબ જ ગોઝારી ઘટના બની હતી. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. તેમાં મોડી રાત્રે 3.15 કલાકે આગ લાગતા 8 કોરોના દર્દીના મોત થયા હતા.