- ગાંધીનગરના મિલિટરી સ્ટેશનમાં પરબત અલી બ્રિગેડ ખાતે સેના દિવસની ઊજવણી
- ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સૈનિકોનો જુસ્સો વધારવા ઊજવણીમાં જોડાયા
- રાજ્યના 15થી વધુ સ્થળે વર્ચ્યૂઅલ રીતે કાર્યક્રમ યોજાયો
અમદાવાદઃ આ કાર્યક્રમ પ્રત્યક્ષરૂપે 15થી વધારે સ્થળે યોજવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર દેશના નાગરિકો માટે વર્ચ્યૂઅલ માધ્યમથી પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈન્ય, વાયુસેના, BSF, તટરક્ષક દળ, પોલીસ દળના 5 હજાર જવાનો અને અન્ય ઉત્સાહિતોએ “સૈનિકો માટે દોડ, સૈનિકો સાથે દોડ”માં આપણા સશસ્ત્રદળોના શૌર્ય અને હિમ્મતની ઉજવણી કરવા માટે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો.
દેશવાસીઓમાં એકતાનો સંદેશ પણ ફેલાવવામાં આવ્યો
આ કાર્યક્રમ દરમિયાન શારીરિક તંદુરસ્તીની જરૂરિયાતને આગળ વધારવા માટે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને દેશવાસીઓમાં એકતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.
સેના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં 200થી વધારે લોકો સહભાગી થયા
મુખ્ય સક્રિય દોડ મેરેથોનનો કાર્યક્રમ ગાંધીનગર મિલિટરી સ્ટેશનમાં પરબત અલી બ્રિગેડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 200થી વધારે સહભાગીઓએ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો.
કોવિડ પ્રોટોકોલ સાથે કાર્યક્રમનું આયોજન
વર્તમાન કોવિડની સ્થિતિને જોતા સમગ્ર કાર્યક્રમમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. રમતવીરો પણ કોવિડના પ્રોટોકોલનું પાલન કરીને દોડ્યા હતા. દોડના વિજેતાઓના સન્માન માટે ભવ્ય પુરસ્કાર વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા
આ કાર્યક્રમ મુખ્ય અતિથિ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ‘ખુકરી નૃત્ય, મલખંબ અને માર્શલ સંગીત’ સહિત માર્શલ આર્ટ્સનું ભવ્ય પ્રદર્શન સહભાગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.