અમદાવાદઃ હાર્દિક પટેલ તરફે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી કે તેને ગુજરાત બહાર જવા દેવાની છૂટ આપવામાં આવે, જોકે રાજ્ય સરકાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે હાર્દિક હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી શરતોનું પાલન કરતો નથી.
રાજદ્રોહના કેસમાં 61 મુદત દરમિયાન કોઈ કારણ બતાવી એ કોર્ટ સમક્ષ હાજર રહ્યો નથી, જેથી ઘણીવાર કોર્ટે તેની સામે વોરન્ટ પણ કાઢ્યાં છે. હાર્દિક પટેલ જે સરનામું દર્શાવ્યું છે એ સ્થળ પર ઘણીવાર હાજર ન હોવાની પણ રાજ્ય સરકાર તરફે કોર્ટમાં રજૂઆત કરાઈ હતી. હાર્દિકની ગુજરાત બહાર જવાની છૂટ મંજૂર કરવામાં આવશે તો તેનો રેકોર્ડ હજી ખરાબ થશે અને નિયમોનું પાલન કરશે નહીં. નોંધનીય છે કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત 36 જેટલા ગુના દાખલ થયેલાં છે.