- અમદાવાદ ખાતે બે દિવસ માટે પ્રથમ લકઝરી કાર એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું
- 80 કરોડથી વધારે કિંમતની કાર એક જ જગ્યાએ આ એક્સ્પોમાં જોવા મળી
- ઈન્ડિયા લક્ઝરી કાર માર્કેટ 2020-2025ના આગાહીના સમયગાળા દરમિયાન 6 ટકાથી વધુની CAGR નોંધાવવાની ધારણા છે
- ઉદ્યોગના અંદાજ મુજબ, વર્ષ 2019માં દેશમાં 34,500થી 35,500 લક્ઝરી કાર વેચાઈ, જેની તુલના 2018માં 40,340 યુનિટમાં થઈ હતી
અમદાવાદઃ આ એક્સ્પોમાં દેશની લક્ઝરી બ્રાન્ડ્સ જેવી કે, ફેરારી, રોલ્સ રૉયસ, એસ્ટન માર્ટિન, પોર્સ, મર્સિડીઝ, માસેરાતી, રેન્જ રોવર, વોલ્વો, બીએમડબ્લ્યૂ, એડી, મિની કૂપર, જેગુઆર જેવી બ્રાન્ડ્સે તેમના ઉત્પાદનો પ્રદર્શિત કર્યા હતા. ઓટો ડી ગ્લેમના આયોજક દૂર્ગેશ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, બે દિવસીય કાર્યક્રમ સંભવિત કાર ખરીદદારોને કંપનીના અધિકારીઓ સાથે સીધી વાત કરવાની તક આપવા એક છત નીચે પ્રખ્યાત કાર બ્રાન્ડ્સ લાવવામાં આવી છે. આ ઉપરાંત આ ઈવેન્ટ સંપૂર્ણપણે રજિસ્ટ્રેશન પર આધારિત હશે અને તે ખાતરી કરશે કે જરૂરી કોવિડ સાવચેતીઓ તપાસમાં લેવામાં આવે.
કારના શૉ રૂમમાં ગ્રાહકોની ઓછી વિઝિટના કારણે લક્ઝરી કારના વેચાણમાં થયો ઘટાડો
ભારત વાહનોનું એક મોટું બજાર છે અને તેમાં લક્ઝરી કાર માટેની ખૂબ જ ઊંચી માગ છે. જ્યારે દેશમાં લક્ઝરી કાર માર્કેટમાં પ્રવેશ સ્તર ઓછુ છે, પરંતુ અગ્રણી લક્ઝરી કાર ઉત્પાદકો બજારની સંભાવના પર વિશ્વાસ મુકી રહ્યા છે. જોકે, કોરોના વાયરસના ફેલાવા સાથે, કાર શૉ રૂમ્સમાં ગ્રાહકોની ઓછી વિઝિટના કારણે લક્ઝરી કારના વેચાણને અસર થઈ હતી. સરકાર દ્વારા લાદવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉન દ્વારા સપ્લાયની ચેન ખોરવાઈ ગઈ હોવાથી વિવિધ ઓટો મોબાઈલ ઉત્પાદકોને અસ્થાયીરૂપે તેમનું ઉત્પાદન બંધ કરવાની ફરજ પડી હતી, જેણે બજારના વિકાસને નિયંત્રિત કરી હતી. આથી આ પ્રકાર નું બુસ્ટ આ માર્કેટને મળવું ખૂબ જ જરૂરી હતું.
અસામાન્ય મોડેલ કે જેને લોકોએ વધારે જોયા નથી તેવા મોડલ અહીં પ્રદર્શિત કરાયા
ઓટો ડી ગ્લેમના આયોજક સૌરિન બાસુએ જણાવ્યું હતું કે, આ ઈવેન્ટનો અમારો હેતુ એસ્પિરેશનલ બ્રાન્ડ્સનું પ્રદર્શન કરીને અર્થવ્યવસ્થામાં હકારાત્મકતા લાવવાનો છે અને ઓટોમોબાઈલ ક્ષેત્રને તેમના ઉત્પાદનોની વિરલતાને પ્રકાશિત કરીને ઝડપી ગતિમાં આગળ વધવા માટે સમર્થન આપવાનું છે. અને સંબંધિત બ્રાન્ડ પાસેના વૈવિધ્યતાને પ્રદર્શિત કરે છે. સહભાગીતા માટે આ બ્રાન્ડ્સ સાથે વાતચીત કરતી વખતે, અમે તેમને વિનંતી કરી હતી કે, તે અમદાવાદ ખાતે એવા મોડેલ પ્રદર્શિત કરે કે જે અસામાન્ય છે અને લોકોએ વધારે જોયા નથી. આથી અમદાવાદીઓને આ બે દિવસ દરમિયાન એક અનોખા પ્રકારનું લક્ઝરી કાર એક્સ્પો જોવા મળશે.