અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે, ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીના માર્ગદર્શન અને કોરોનાના તમામ નિયમોનું પાલન કરીને ઈ-લોક અદાલત યોજાશે.
ઇ-લોક અદાલતમાં ભાગ લેનારા અરજદારોએ 22 સપ્ટેમ્બર સુધી ગુજરાત હાઇકોર્ટમાં આ અંગેની નોંધણી કરાવવી પડશે. આ વખતે કોરોના મહામારીને લીધે ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં બંને પક્ષના વકીલો કોર્ટમાં હાજર થશે અને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી અને કેસનો નિકાલ કરાશે. જે કેસમાં અરજદાર અને પ્રતિવાદીના સહીની જરૂર હોય તેવા કિસ્સામાં બંને પક્ષ તરફે સહી સ્કેન કરીને અપલોડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ ઈ-લોક અદાલત માટે વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયા બાદ પ્રથમવાર લોક અદાલત યોજાશે. લોક અદાલતમાં મિલકત સંબંધી, વીજળીના બીલ સંબંધિત સહિતના કેસનો નિકાલ કરવામાં આવે છે. આશરે વર્ષમાં ત્રણથી ચાર વખત લોક અદાલત યોજાય છે, જેનાથી પેન્ડીંગ કેસની સંખ્યામાં સહજ ઘટાડો જોવા મળે છે.