અમદાવાદઃ શહેરમાં કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારના પુત્ર હર્ષઆદિત્યસિંહ ચાલુ પરીક્ષા દરમિયાન મોબાઈલ વાપરતાં CCTVમાં કેદ થયા છે. યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન મોબાઇલ સાથે જોવા મળતાં હર્ષઆદિત્યસિંહ પરમાર CCTVમાં ઝડપાઇ ગયા હતા. જેને લઇ ABVP દ્વારા CCTV રજૂ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. ગત બે દિવસથી ABVPના કાર્યકર્તા ઓજીએસ કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેને લઇને ABVPની સ્પષ્ટ માગણી છે કે, સામાન્ય વિદ્યાર્થી જો મોબાઈલ સાથે પકડાય છે તો તેની સામે કોપી કેસ કરવામાં આવતો હોય છે, જ્યારે કોંગ્રેસી નેતાના પુત્ર સામે કોઈ હજી સુધી નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ સાથે જ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા શરૂઆતમાં 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જો કે, 48 કલાક પૂર્ણ થયા બાદ પણ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈપણ જાતની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થી નેતાઓ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યાં હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા દિવ્યપાલસિંહ સોલંકી સાથે અન્ય વિદ્યાર્થી નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. વિરોધ કરવા આવી રહેલા ABVPના કાર્યકર્તાઓને અટકાવવા માટે થઈ પોલીસે પહેલેથી જ પોતાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. યુનિવર્સીટીનો મુખ્ય પ્રવેશદ્વાર સિવાય અન્ય ગેટ પણ બંધ કરી દેવાના આવ્યા હતા. ત્યારબાદ પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થી સંગઠને સ્પષ્ટ માગણી કરી છે કે, આગામી 24 કલાકની અંદર કોંગ્રેસ નેતાના પુત્ર હર્ષઆદિત્યસિંહ સામે કોપી કેસની ફરિયાદ કરવામાં આવે. આ સાથે જ NSUIના વિદ્યાર્થી નેતા દિગ્વિજયસિંહ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને સત્તાધીશો અધિકારીઓ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો ABVP દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જો કે, મહત્વની બાબત એ છે કે વિરોધ પ્રદર્શન કરવા આવેલા વિદ્યાર્થી નેતાઓ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં. પોલીસ બંદોબસ્તના ભાગરૂપે તહેનાત હતી તે દરમિયાન વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તા દ્વારા અન્ય પ્રવેશદ્વારથી અંદર એન્ટ્રી લીધા બાદ વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા શાંતિપૂર્ણ રીતે કહેવામાં આવ્યું હતું કે તેઓ બહાર નીકળી જાય, પરંતુ કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જોતજોતામાં તો પોલીસ સાથે બોલાચાલીમાં ઉતરી આવ્યાં હતાં. આ દરમિયાન વિદ્યાર્થી નેતા દિવ્યપાલસિંહ સોલંકી દ્વારા પોલીસને બિભત્સ ગાળો પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થી નેતા દિવ્યપાલસિંહ સોલંકીના સિક્યુરિટીની સાથે બોલાચાલી અને છૂટી ખુરશી અને મારામારી કરી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે, ત્યારે ફરી એક વખત પોલીસને બિભત્સ ગાળો બોલતાં મામલો બીચકયો છે.