- વિરમગામના 62 વર્ષીય સિનિયર સિટીઝને કોરોનાને આપી માત
- ક્રિટિકલ સ્થિતિમાં 5 ઓક્ટોબરે થયા હતા દાખલ
- હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ
અમદાવાદઃ શહેરની સોલા સિવિલ હોસ્પિટલની સમયસરની સારવાર તથા કાળજીભરી સારવારના કારણે વિરમગામના 63 વર્ષીય સિનિયર સિટીઝને ક્રિટિકલ કન્ડિશન બાદ કોરોનાને માત આપી છે.
વિરમગામના વૃદ્ધને વેન્ટિલેટર પર રખાયા હતા
આ અંગે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. પીનાબેન સોનીએ જણાવ્યું કે, અમારે ત્યાં સારવાર લીધા બાદ આ સિનિયર સિટીઝનને બુધવારે રજા આપવામાં આવી છે. વિરમગામના 63 વર્ષીય સિનિયર સિટીઝનને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા 5 ઓક્ટોબરેના રોજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમને 2 દિવસ ઓક્સિજન પર પણ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વૃદ્ધની તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
યોગ્ય અને સમયસર મળી સારવાર
સતત 7 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા બાદ એક દિવસ વેન્ટિલેટર હટાવી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ફરી તબિયત લથડતા તેમને 2 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તબિયતમાં સુધારો થતાં તેમને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા અને 21 ઓક્ટોબરના રોજ તેમને સોલા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલ સ્ટાફે સંવેદનશીલતાથી કાર્ય કર્યું
સોલા સિવિલ હોસ્પિટલની પૂરતી કાળજી અને સમયસરની સારવારના કારણે ગંભીર તકલીફો છતાં વિરમગામના આ સિનિયર સિટીઝને કોરોનાને હરાવ્યો છે. સ્ટાફ પણ સંવેદનશીલતા સાથે કાર્ય કરે છે અને દર્દીને પોતાના ઘર જેવી લાગણી થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
સ્થાનિક આરોગ્યની ટીમ નિયમિત મુલાકાત લે છે
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ જણાવ્યું કે, અમારી સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમના ઘરે નિયમિત મુલાકાત લઈને આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને અત્યારે તેમની તબિયત સ્થિર અને સ્વસ્થ છે.
પરિવારજનોમાં હર્ષની લાગણી
વિરમગામના 63 વર્ષીય સિનિયર સિટીઝને ક્રિટિકલ કન્ડિશન બાદ કોરોનાને પરાસ્ત કરતાં પરિવારજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. પરિવારજનોનું કહેવું છે કે, કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઓછૂં થઇ રહ્યું છે, આમ છતાં તેને હળવાશથી લેવું જોઇએ નહીં. એમાંય ખાસ કરીને દર્દીની ઉંમર વધુ હોય ત્યારે તો વિશેષ કાળજી રાખવી જોઇએ.
સોલા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પીનાબહેન સોનીની અપીલ
ડૉ.પીનાબેન સોનીએ કહ્યું કે, અત્યારે કોરોનાની અસર ઓછી થઇ છે. આમ છતાં લોકોએ કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. આ સાથે જ લોકોએ વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઇએ. અત્યારે માત્ર આ વસ્તુઓ જ આપણને કોરોનાથી બચાવશે.