અમદાવાદ: કોરોના વાઇરસની મહામારીના કારણે કોઈ પણ ધર્મના તહેવારોની ઉજવણી કે ધાર્મિક મેળાવડા કરી શકાયા નથી. જેથી અમદાવાદની તાજિયા કમિટીએ નિર્ણય કર્યો છે કે, શહેરમાં તાજિયા કાઢવામાં નહીં આવે. લોકોએ નાના તાજીયા બનાવીને ઘરે જ ઈબાદત કરવાની રહેશે. આ સાથે જ સરકારે કોરોનાની બહાર પાડેલી ગાઇડ લાઇનને પણ અનુસરવાનું રહેશે.
આ વિશે વાત કરતાં અમદાવાદ તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કારણે આ વખતે દરેક ધર્મના તહેવારો ઉજવી શકાયા નથી, ત્યારે ઇસ્લામ માનવજાત માટેનો ધર્મ છે, ત્યારે આ મહામારીમાં તાજીયા જુલુસનું આયોજન કરવું શક્ય નથી. જેથી આ વર્ષે તાજિયા નીકળશે નહીં અને નવા તાજિયા પણ બનશે નહીં.
અમદાવાદમાં રથયાત્રા અને તાજીયા જેવા તહેવારો કોમી સદ્ભાવનાનું પ્રતિક હોય છે, પરંતુ આ વખતે તાજિયા નહીં નીકળી શકે. ત્યારે લોકો પોતાના ઘરે કે નજીકની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે દુઆ અદા કરશે.